મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કાર્યાલયમાં ગઈ કાલે બપોરે બે વાગ્યાની આસપાસ ટેન્ડરને કારણે બે કૉન્ટ્રૅક્ટરો વચ્ચે મારપીટ થઈ હતી. આ ઝઘડામાં બન્ને કૉન્ટ્રૅક્ટરો જખમી થયા હતા.
બીએમસી - પ્રતીકાત્મક તસવીર
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કાર્યાલયમાં ગઈ કાલે બપોરે બે વાગ્યાની આસપાસ ટેન્ડરને કારણે બે કૉન્ટ્રૅક્ટરો વચ્ચે મારપીટ થઈ હતી. આ ઝઘડામાં બન્ને કૉન્ટ્રૅક્ટરો જખમી થયા હતા.
આ બનાવ નજરે જોનારા લોકોના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકાના કાર્યાલયમાં ચોથા માળે આવેલા સિટી એન્જિનિયર શિવાજી બારકુંડના કાર્યાલયની બહાર કૉન્ટ્રૅક્ટર રાજુ સિંહ અને કૉન્ટ્રૅક્ટર કુણાલ જોશી વચ્ચે નગરસેવક નિધિથી થનારાં અમુક કાર્યોના કૉન્ટ્રૅક્ટને લઈને વિવાદ શરૂ થયો હતો. નગરસેવક નિધિથી થનારાં અમુક કાર્યોનું ટેન્ડર કુણાલ જોશીએ ભર્યું હતું. એને કારણે રાજુ સિંહ નારાજ થઈ ગયો હતો. ગઈ કાલે મહાનગરપાલિકાના કાર્યાલયના ચોથા માળ પર બન્ને સામસામે આવ્યા ત્યારે એકબીજા સાથે વાતો-વાતોમાં રોષે ભરાઈ ગયા હતા. ઝઘડો એટલો વધી ગયો કે બન્ને એકબીજાને અપશબ્દો કહેવા લાગ્યા અને ઝઘડો મારપીટ સુધી પહોંચી ગયો હતો. આ મારપીટમાં રાજુ સિંહના નાક અને મોઢા પર માર લાગતાં લોહી વહેવા લાગ્યું હતું, જ્યારે કુણાલ જોશીને માથા પર માર લાગ્યો હતો. આ પહેલાં પણ મહાનગરપાલિકા કાર્યાલયમાં કૉન્ટ્રૅક્ટરોએ ટેન્ડરને લઈને બે-ત્રણ વખત મારપીટ પણ કરી હતી. એમ છતાં પ્રશાસને આ વિશે ગંભીરતા દેખાડી નહોતી.
ADVERTISEMENT
આ સંદર્ભે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંભાજી વાઘમારેએ જણાવ્યું હતું કે આ બન્ને કૉન્ટ્રેક્ટર સામે જે પણ કાર્યવાહી થશે એ પોલીસ કરશે. કોરોના મહામારીની બીજી વેવને કારણે મીરા-ભાઈંદર પાલિકાના કાર્યાલયમાં સામાન્ય લોકોને સવારે ૧૦થી ૧ વાગ્યા સુધી જ પ્રવેશની અનુમતિ છે.