ગુંડાગર્દી કરીને કિન્નરોએ કરી ટ્રાફિક-પોલીસની પીટાઈ
ટ્રાફિક-પોલીસ પર હુમલો કરી રહેલા કિન્નરોનો વિડિયો-ગ્રેબ.
ઘાટકોપરના પંતનગર વિસ્તારમાં છેડાનગર સબવે પાસે મંગળવારે સાંજે સાડાછ વાગ્યે રિક્ષામાં જઈ રહેલા ચાર કિન્નરને રોકનારા ટ્રાફિક-પોલીસની તેમણે મારપીટ કરી હોવાનો વિડિયો વાયરલ થયો હતો. વિડિયોમાં કિન્નરોએ પોલીસની મારપીટ કરતાં તેનું શર્ટ ફાટી જવાની સાથે તેના હાથમાં રહેલી વૉકીટૉકી પણ તોડી નાખી હોવાનું જણાયું હતું. બાદમાં પોલીસે આ મામલામાં ચારેય કિન્નરની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે ‘છેડાનગરના સબવે પાસે ડ્યુટી કરી રહેલા વિક્રોલી ટ્રાફિક-પોલીસના કર્મચારી વિનોદ સોનવણેએ રિક્ષામાં ચાર લોકોને જતા હોવાનું જોયા બાદ રિક્ષા ઊભી રખાવી હતી અને ફોટો લીધા હતા. આ જોઈને રિક્ષામાં બેસેલા કિન્નરો બહાર આવ્યા હતા અને તેમણે પોલીસને રિક્ષા રોકવા અને ફોટો લેવા બદલ અપશબ્દો કહ્યા હતા. વિનોદ સોનાવણેએ કાયદાનો ભંગ કર્યાનું કહીને કિન્નરો તેના પર તૂટી પડ્યા હતા. ઝપાઝપીમાં પોલીસનું શર્ટ ફાટી જવાની સાથે તેની પાસેની વૉકીટૉકી પણ કિન્નરોએ ફેંકી દેવાથી એને નુકસાન થયું હતું.’

