Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Traffic: આકુર્લી રોડ પર ટ્રાફિકની સમસ્યાઓનો અંત ક્યારે? સબવેના કામમાં માત્ર તારીખ પે તારીખ

Mumbai Traffic: આકુર્લી રોડ પર ટ્રાફિકની સમસ્યાઓનો અંત ક્યારે? સબવેના કામમાં માત્ર તારીખ પે તારીખ

15 October, 2023 11:43 AM IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

લોખંડવાલા રેસિડેન્ટસ એસોસિયેશન છેલ્લાં સાત વર્ષથી આકુર્લી રોડ પર ટ્રાફિકની સમસ્યાઓનો અંત લાવવા લડી રહી છે, પરંતુ સરકારી કચેરીઓમાં મળી છે માત્ર `તારીખ-પે-તારીખ`

(ડાબે) ગૂગલ મેપ્સમાં દેખાતી લાલ રેખાઓ ટ્રાફિક સૂચવી રહી છે - (જમણે) કોન્ટ્રાક્ટરે મશીન અને માટી સબવે નીચે જ મૂકી દીધી છે

Exclusive

(ડાબે) ગૂગલ મેપ્સમાં દેખાતી લાલ રેખાઓ ટ્રાફિક સૂચવી રહી છે - (જમણે) કોન્ટ્રાક્ટરે મશીન અને માટી સબવે નીચે જ મૂકી દીધી છે


મુંબઈમાં ટ્રાફિક (Mumbai Traffic)ની સમસ્યા કોઈ નવો મુદ્દો નથી. નવા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સ સાથે સરકાર ટ્રાફિક ઓછો કરવાનો પ્રયાસ જરૂરી કરી રહી છે, પરંતુ વિવિધ ઑથોરિટીઝ અને ડિપાર્ટમેન્ટમાં તાલમેલના અભાવના કારણે કામ ખોળંગાય છે અને લોકોને મળે છે માત્ર ‘તારીખ પે તારીખ’. આવી જ હાલત હાલ કાંદિવલી પૂર્વ (Kandivali)ના આકુર્લી રોડ (Akurli Road)ની છે, જે કાંદિવલી સ્ટેશનથી વેસ્ટર્ન અક્સપ્રેસ હાઇવે (Western Express Highway) અને આગળ લોખંડવાલા (Lokhandwala) તરફ જાય છે. હાલ કાંદિવલી સ્ટેશન અને હાઇવેથી લોખંડવાલા તરફ જવા માટે આ એક માત્ર સાંકળો રસ્તો છે. સવારે અને સાંજે અહીં એટલો ટ્રાફિક હોય છે કે ૧.૫ કિલોમીટરનું અંતર કાપવા માટે એક કલાક જેટલો સમય લાગે છે, જેને કારણે લખો લોકોનો સમય વેડફાય છે. ટ્રાફિકને કારણે એકવાર પ્રેગ્નેન્ટ મહિલાએ ટેક્સીમાં ડિલિવરી કરવી પડી હતી તો એક વ્યક્તિનું એમ્બ્યુલન્સમાં જ મોત નીપજ્યું હતું.


ટ્રાફિકની સમસ્યાનો અંત લાવવા માટે લોખંડવાલાના રહેવાસીઓએ ૨૦૧૬માં લોખંડવાલા રેસિડન્ટ્સ એસોસિયેશન (LRA)ની સ્થાપન કરી અને ટ્રાફિકને નિયત્રણમાં લાવવા માટે ઘણા ઉપાય કર્યા, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સિવાય તેનો કાયમી ઉકેલ શક્ય નથી. લોકો અને રાજનેતાઓની મદદથી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ વિવિધ સરકારી અને બિન-સરકારી કચેરીમાં તાલમેલના અભાવને કારણે કામ ગલ્લે-તલ્લે ચઢી ગયું છે. વર્ષ ૨૦૧૯માં MMRDA દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ગ્રોવેલ્સ મૉલ પાસેના સબવેને પહોળો કરવા માટેનું ટેન્ડર આપવામાં આવ્યું હતું. જોકે, આજ સુધી આ કામ પૂરું થયું નથી.



કોરોનાકાળ દરમિયાન આ કામ સહેજ પણ આગળ વધ્યું નહતું. આખરે કોન્ટ્રાક્ટરે જ્યારે કામ હાથ ધર્યું અને તોડકામ કર્યું ત્યારે ખબર પડી કે બ્રિજ ઉપરથી મહાનગર ગેસની મુખ્ય પાઇપલાઇન જાય છે અને કામ અટકી ગયું. કોન્ટ્રાક્ટરે માટી અને મશીન સહિત બધી જ વસ્તુ અહીં ધૂળ ખાતી મૂકી દીધી. મહાનગર ગેસે ૩ મહિના રિસર્ચ કરી પાઇપલાઇનને નીચે રિકનેક્ટ કરવાનો ઉપાય શોધ્યો અને હાલ તે મામલે કામ ચાલી રહ્યું છે.


આ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિગતવાર વાતચીત કરતાં LRAના સહ-સંસ્થાપક શિશિર શેટ્ટી જણાવે છે કે, “ઇન્ફ્રાસ્ટ્રકચરના કોઈપણ પ્રોજેક્ટ જ્યારે કોન્ટ્રેક્ટરને સોંપવામાં આવે છે ત્યારે તેની બ્લૂપ્રિન્ટ પણ આપવામાં આવે છે. કામ શરૂ કરતાં પહેલાં કોન્ટ્રેક્ટરે આ વિશે તમામ માહિતી મેળવવી જોઈએ. કામ શરૂ થયા પછી જો આ પ્રકારે કામ અટકી જાય તો તે તેના માટે કોને જવાબદાર ઠેરવવા? અમે ઈચ્છીએ છીએ કે MMRDA આમાં દરમિયાનગીરી કરે અને બને એટલું વહેલી તકે કામ પૂર્ણ કરાવે. આ વિશે અમે MMRDAના ઉચ્ચ અધિકારીઓને ઈ-મેઇલ કરી અને વિનંતી કરી છે, પરંતુ અમને કોઈ જવાબ મળ્યો નથી.”

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે પણ આ મામલે MMRDAનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નહતો.


આ મામલે કાંદિવલી સીટથી ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખળકરે (BJP MLA Atul Bhatkhalkar) જણાવ્યું કે, “વર્ષ ૨૦૧૯માં હાઇવે PWD વિભાગ પાસે હતો, ત્યારે મેં દેવેન્દ્ર ફડણવીસને સબવેને પહોળો કરવા અંગે વિનંતી કરી હતી. તેમણે સ્પેશિયલ કેસમાં MMRDAને ઑર્ડર આપી આ કામ માટે ટેન્ડર બહાર પડાવ્યું હતું. તેની ડિઝાઇન બની ત્યાં સુધીમાં મેટ્રો શરૂ થઈ ગઈ હતી, તેથી મેટ્રો દ્વારા તેની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો અને આખરે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ અને વર્ષ ૨૦૧૯માં તેનું કામ શરૂ થઈ ગયું હતું, પરંતુ કોરોનાને કારણે ખોળંગાયું.”

તેઓ ઉમેરે છે કે, “જોકે, આમાં બે મખ્ય પડકારો આવ્યા. પહેલું કે આ સબવેનું લેવલ ઓછું છે, તેથી આટલી જગ્યામાંથી માટી કાઢી શકે તેવા મશીન ઉપલબ્ધ નહતા. બીજો અને સૌથી મહત્ત્વનો પડકાર એ આવ્યો કે બ્રિજ ઉપરથી મહાનગર ગેસની મુખ્ય પાઇપલાઇન પસાર થાય છે. ગેસ લાઇનનું કામ સપ્લાઈ ચાલુ રાખવા સાથે કરવું પડે એમ હતું, તેના માટે માત્ર જર્મન ટેકનોલોજી જ ઉપલબ્ધ છે અને તેનો ખર્ચ ૩-૪ કરોડ રૂપિયાનો હતો. અમે તેનો પણ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને ઓછા ખર્ચમાં આ કામ થાય તેવી ગોઠવણ કરી છે. હાલ મહાનગર ગેસનું કામ શરૂ થઈ ગયું છે. આગામી ૧ વર્ષની અંદર આ આખો પ્રોજેક્ટ પુઓ થઈ જશે અને ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થશે.”

પેરાબૉલિક ડિવાઈડર્સની જરૂર

LRA અને ટ્રાફિક વિભાગ (Mumbai Traffc) તરફથી BMCને આકુર્લી રોડ પર વડારપાડાથી સાંઈમંદિર સુધી પેરાબૉલિક ડિવાઈડર્સ બેસાડવાની પણ વિનંતી કરવામાં આવી છે. હાલ અહીં ઘણી જગ્યાએ ડિવાઈડર્સ નથી, તેથી રિક્ષાવાળા અને બાઈકર્સ ટ્રાફિકને માત આપવા રૉન્ગ સાઇડ બેફામ વાહનો ચલાવે છે અને વચ્ચેથી યુટર્ન લે છે, જેને કારણે બંને દિશામાં ટ્રાફિક અવરોધિત થાય છે.

ટ્રાફિક વિભાગની સરાહનીય કામગીરી

કાંદિવલી પૂર્વના ટ્રાફિક વિભાગના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર જગદીશ ભોપલેની અધ્યક્ષતામાં અહીં ટ્રાફિક વિભાગે સરાહનીય કામગીરી કરી છે. આકુર્લી રોડ પર દરરોજ ૪-૫ ઑફિસર તહેનાત હોય છે, જે ટ્રાફિકનું નિયમન કરે છે અને જરૂર જણાતાં નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી પણ કરે છે. ગૂગલ મેપ્સની મદદથી દરેક ઑફિસર ટ્રાફિક પર નજર રાખે છે અને પરિસ્થિતિ અનુસાર કાર્ય કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

15 October, 2023 11:43 AM IST | Mumbai | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK