તપગચ્છના સૂરિરામચંદ્ર સમુદાયના અને સૂરિશાંતિચંદ્ર સમુદાયના સાધુભગવંતોની નિશ્રામાં બૃહદ મુંબઈમાં થયેલી તપશ્ચર્યાઓની અનુમોદનાર્થે તથા શ્રાવક જીવનના વાર્ષિક કર્તવ્યના પાલનરૂપે આ મહારથયાત્રા યોજાશે
મહારથ યાત્રા (ફાઈલ તસવીર)
જૈનોના પર્યુષણ મહાપર્વ નિમિત્તે બૃહદ મુંબઈમાં થયેલી તપશ્ચર્યાઓની અનુમોદનાર્થે તથા શ્રાવક જીવનના વાર્ષિક કર્તવ્યના પાલનરૂપે મુંબઈમાં રવિવારે મહામાર્ગો પર સવારે ૮.૩૦ વાગ્યે જૈનોની મહારથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા શ્રીપાલનગર ચંદનબાળા જૈન સંઘ, વાલકેશ્વરથી શરૂ થશે. આ રથયાત્રાનું વિશેષ આકર્ષણ એ છે કે એમાં જૈનોના ૨૪ તીર્થંકરોની પાલખીઓ નવયુવાનો પૂજાનાં વસ્ત્રોમાં સજ્જ બની પોતાના ખભે લઈને ચાલશે. આ પહેલાં ગયા રવિવારે એક રથયાત્રા કાઢવામાં આવી હતી.
આ રથયાત્રામાં ૪૦થી અધિક સંઘોની બગીઓ, પચીસથી અધિક દીક્ષાર્થીઓ, પૂર્વના ચક્રવર્તી, સમ્રાટ સંપ્રતિ અને મહારાજા કુમારપાળની રથયાત્રાનું સ્મરણ કરતી રચનાઓ, ૧૫+ બૅન્ડો, પુણેરી ઢોલ વગેરે વાદ્યવૃંદો, અનેક જાતની દુર્લભ મંડળીઓ, ૧૦૦થી વધુ ધ્વજા લહેરાવતા યુવાનો, ૨૫૦થી વધુ પાઠશાળાનાં બાળકો, પરમાત્માના રથો એમ અનેકવિધ વિશેષતાઓ જોવા મળશે. એમાં તપગચ્છના સૂરિરામચંદ્ર સમુદાયના અને સૂરિશાંતિચંદ્ર સમુદાયના મધ્ય મુંબઈમાં ચાતુર્માસ માટે બિરાજમાન આચાર્ય ભગવંતો, પદસ્થ ભગવંતો, મુનિવરો અને શ્રમણીગણ આદિ વિશાળ સંખ્યામાં નિશ્રા પ્રદાન કરશે.
ADVERTISEMENT
આ રથયાત્રા શ્રીપાલનગર, ચંદનબાલા, મલબાર હિલથી શરૂ થઈને ચોપાટી, સુખસાગર, ગિરગામ, ખેતવાડી, સી. પી. ટૅન્ક થઈને ભુલેશ્વર મોતીશા લાલબાગ જૈન મંદિરે સંપન્ન થશે. ત્યાર બાદ આચાર્યભગવંતો રથયાત્રાની મહત્તા સમજાવશે.