આખરે ઘાટકોપર રેલવે-સ્ટેશનનું અપગ્રેડેશન આવતા મહિને શરૂ થશે
લોકસભામાં ઈશાન મુંબઈનું પ્રતિનિધિત્વ કરતા લોકપ્રતિનિધિ મનોજ કોટકે મંગળવારે મધ્ય રેલવેના વડા મથકે ડિવિઝનલ રેલવે મૅનેજર સહિત વરિષ્ઠ અમલદારો સાથે ઘાટકોપર, વિદ્યાવિહાર, વિક્રોલી અને નાહૂરના રેલવે-પ્રવાસીઓની સમસ્યા તથા એ ક્ષેત્રોમાં અપગ્રેડેશનની યોજનાઓની ચર્ચા કરી હતી.
ઘાટકોપર રેલવે-સ્ટેશનના અપગ્રેડેશનની કામગીરી ૩૦ એપ્રિલ પહેલાં શરૂ કરવાની બાંયધરી મધ્ય રેલવેના ડિવિઝનલ રેલવે મૅનેજર શલભ ગોયલે ઈશાન મુંબઈના સંસદસભ્ય મનોજ કોટકને આપી હતી. અપગ્રેડેશનમાં ૧૨ મીટર પહોળા ત્રણ નવા ફુટ ઓવરબ્રિજ અને એ ત્રણેય બ્રિજને જોડતા એલિવેટેડ ડેક તથા વધારાના સ્કાયવૉક બ્રિજનો સમાવેશ છે. પ્રવાસીઓને અવરજવરમાં મોકળાશ પડે એ માટે અનેક વ્યવસ્થા કરવામાં આવશે.
લોકસભાના સભ્ય મનોજ કોટકે મધ્ય રેલવેના ડિવિઝનલ રેલવે મૅનેજર શલભ ગોયલને મળીને વિદ્યાવિહાર, વિક્રોલી અને નાહૂર ખાતે રોડ ઓવરબ્રિજ સહિત વિવિધ યોજનાઓની ચર્ચા કરી હતી. મનોજ કોટકે શલભ ગોયલની મુલાકાત સંદર્ભે જણાવ્યું હતું કે ‘મુંબઈની સબર્બન રેલવેલાઇનનાં ૧૯ સ્ટેશનોના અપગ્રેડેશનની ૯૫૦ કરોડ રૂપિયાની યોજનાના ભાગરૂપે ઘાટકોપર રેલવે-સ્ટેશને ત્રણ ફુટ ઓવરબ્રિજ અને એલિવેટેડ ડેક જેવી સુવિધાઓનું બાંધકામ કરવામાં આવશે. ખાસ કરીને ઘાટકોપર રેલવે-સ્ટેશનમાં મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુધારા-વધારાની કાર્યવાહી એપ્રિલ મહિનાના અંત પહેલાં શરૂ કરવાની ખાતરી આપી હતી. અપગ્રેડેશનનાં કાર્યો માટે જગ્યાના અભાવે ઘાટકોપરમાં હાઈ-ટેક યુરોપિયન પાઇલિંગ મશીન જેવાં અદ્યતન સાધનો વપરાવાની શક્યતા છે.’

