રાજ્ય સરકારે કાંજુરમાર્ગમાં મેટ્રો કારશેડ બાંધવાની HC પાસે પરવાનગી માગી
હાઈકોર્ટ
કાંજુર માર્ગની ૧૦૨ એકર જમીન પર મેટ્રો કારશેડના બાંધકામ બાબતે આગામી ૧૨ માર્ચે મુંબઈ વડી અદાલત મહત્ત્વની સુનાવણી હાથ ધરશે. મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ના તંત્રે કાંજુર માર્ગના વિવાદાસ્પદ સ્થળે મેટ્રો કારશેડ બાંધવાની પરવાનગી માગતી અરજી મુંબઈ વડી અદાલતમાં કરી છે. કાંજુર માર્ગમાં મેટ્રો કારશેડ નહીં બાંધવાની તરફેણમાં કેન્દ્ર સરકારની અરજીની સુનાવણી ગઈ કાલે મુખ્ય ન્યાયમૂર્તિ દીપંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી. એસ. કુલકર્ણીની ડિવિઝન બેન્ચ સમક્ષ શરૂ કરવામાં આવી એ વખતે એમએમઆરડીએના વકીલ સાકેત મોનેએ ઉપરોક્ત અરજીનો ઉલ્લેખ કર્યો હતો.
મોનેએ જણાવ્યું હતું કે એ અરજી દ્વારા મેટ્રો રેલવેની લાઇન્સ ૩, ૪ અને ૬ માટે ઇન્ટિગ્રેટેડ કારશેડ બાંધવાની પરવાનગી એમએમઆરડીએના તંત્રે માગી છે. ડિવિઝન બેન્ચે સમગ્ર કેસની સુનાવણી ૧૨ માર્ચે કરવાનો નિર્ણય લીધો હતો. એમએમઆરડીએના તંત્રે જણાવ્યું હતું કે કારશેડ બાંધ્યા વગર મેટ્રો લાઇન-૩ (કોલાબા-બાંદરા-સીપ્ઝ), મેટ્રો લાઇન ૪ (કાસાર વડવલી-વડાલા) અને મેટ્રો લાઇન ૬ (લોખંડવાલા-વિક્રોલી)ને કાર્યાન્વિત કરવાનું અને પ્રવાસીઓના વપરાશ માટે ખુલ્લી મૂકવાનું શક્ય નથી. યોજનામાં વિલંબથી જનતાને મુશ્કેલી પડવા ઉપરાંત એમએમઆરડીએને નુકસાન જવાની શક્યતા હોવાનું પણ અરજીમાં જણાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ગયા વર્ષે ગોરેગામના આરે કૉલોની વિસ્તારમાં મેટ્રો રેલવેનો કારશેડ બાંધવાનો નિર્ણય રાજ્ય સરકારે રદ કર્યો હતો. ત્યાર પછી ૨૦૨૦ની ૧ ઑક્ટોબરે મુંબઈ સબર્બન ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના ઇન્ટિગ્રેટેડ કારશેડ માટે ૧૦૨ એકર જમીનની ફાળવણી પર હંગામી સ્થગન આદેશ આપ્યો ત્યારથી આ બાબતનો વિવાદ વકર્યો છે.

