અંધેરી સ્ટેશનને મળશે નવો ઓપ
ટૂંક સમયમાં જ ફૂડ-સ્ટૉલ્સને અંધેરી રેલવે-સ્ટેશનના ઊંચા ડેક પર ખસેડવામાં આવશે.
વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ અંધેરી સ્ટેશનનાં ગીચ પ્લૅટફૉર્મ્સ પરના બાકીના સ્ટૉલ્સ સ્ટેશન વચ્ચેના ઊંચા ડેક પર ખસેડવા માટે વિસ્તૃત પ્લાન તૈયાર કરી રહ્યા છે. સ્ટેશન પરની ભીડને નિયંત્રિત કરી શકાય અને સ્ટેશન પર વેઇટિંગ તથા અવરજવરમાં સરળતા રહે એ માટે આ કામગીરી કરવામાં આવી રહી છે.
ભારે ભીડની ફરિયાદો બાદ ગયા વર્ષે સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ પૅસેન્જરોની ગતિવિધિ અને સલામતીની સ્થિતિમાં સુધારો કરવા માટે સ્ટૉલ્સને ખસેડવાની ભલામણ કરી હતી. જોકે, કેટલાક સ્ટૉલ્સના માલિકોએ અદાલતમાં આ આદેશને પડકાર્યો હતો, પરંતુ અદાલતે સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. પ્રક્રિયા ચાલી રહી હતી ત્યાં માર્ચ ૨૦૨૦માં લૉકડાઉન લાગુ કરી દેવાયું હતું. હવે આ પ્રક્રિયા પૂરી કરાશે અને ડબ્લ્યુઆરના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્ટૉલ્સ ચલાવનારા લોકોની આજીવિકાને અસર ન થાય એ રીતે આ કામગીરી કરવામાં આવશે.
ADVERTISEMENT
પ્લાનની વિગતો જણાવતાં વેસ્ટર્ન રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘૨૦૧૩ની આસપાસ બાંધવામાં આવેલા ૧૦૦ મીટરના ઑટોરિક્ષા ડેકનો હવે આ હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે. ડેકની ચકાસણી કરવામાં આવી છે. એને મજબૂત કરવાની જરૂર છે. આ કામ થયા બાદ સ્ટૉલ્સને અહીં લવાશે.’

