ઇન્ટરનૅશનલ વિમેન્સ ડે નિમિત્તે લેડીઝ સ્પેશ્યલ ટ્રેનમાં આજે સ્પેશ્યલ યોગ
૨૦૧૯માં યોજાયેલા ટ્રેન યોગા કૅમ્પેનની ઝલક.
મહિલાઓના જીવનમાં સતત હૉર્મોનલ ઇમ્બૅલૅન્સના તબક્કાઓ આવતા રહે છે. બીજી બાજુ એકસાથે અનેક મોરચે લડી લેતી અને પોતાની આસપાસના બધા લોકોનું ધ્યાન રાખતી મહિલાઓ જ્યારે પોતાની કૅર કરવાની વાત આવે ત્યારે ભાગ્યે જ સમય ફાળવી શકતી હોય છે. સમયની આ જ ખેંચનો ઇલાજ ‘ટ્રેન યોગા કૅમ્પેન’ દ્વારા યોગનો પ્રચાર-પ્રસાર કરતી સંસ્થા હીલ-સ્ટેશન અને વેસ્ટર્ન રેલવેએ શોધ્યો છે. ટ્રેન-ટાઇમ ફિટનેસ-ટાઇમ બની શકે એવા યોગાભ્યાસ કરીને સમયને સાધવાનો કીમિયો આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પણ અમલમાં મુકાવાનો છે. મુંબઈના લગભગ વીસેક યોગ ટીચર્સની ટીમ બોરીવલીથી લેડીઝ સ્પેશ્યલ ટ્રેનમાં યોગના કેટલાક વિશેષ અભ્યાસ કરાવશે. પશ્ચિમ રેલવેના સહયોગથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાનારા આ પ્રોગ્રામમાં યોગ મહિલાઓના જીવનમાં કઈ રીતે સંતુલન લાવે છે, તેમના માટે કયા અભ્યાસ ઉપયુક્ત હોઈ શકે અને ટ્રેનના પ્રવાસનો સમય શ્રેષ્ઠ રીતે પોતાની તંદુરસ્તી માટે યોગ દ્વારા કઈ રીતે વાપરી શકાય એ વિશે યોગશિક્ષકો જાગૃતિ લાવવાના પ્રયાસો કરશે.
આ કન્સેપ્ટ વિશે વધુ વાત કરતાં આયોજકોએ કહ્યું હતું કે ‘૨૦૧૮માં અમે પહેલી વાર ટ્રેનમાં યોગ કરાવવાનું કૅમ્પેન શરૂ કર્યું હતું. એ સમયે લોકો સ્વીકારવા જ તૈયાર નહોતા કે ચાલતી ટ્રેનમાં પણ યોગ થઈ શકે. જોકે જ્યારે અમે લોકો વચ્ચે ગયા, તેમને કન્વિન્સ કર્યા અને તેમને યોગના અભ્યાસો કરાવડાવ્યા ત્યારે તેમના માટે આ તદ્દન નવો અનુભવ હતો. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી સામાન્ય જનતા પોતાના જીવનમાં યોગ ઉમેરે એ અંગે અવેરનેસ લાવવાનું અમારું ધ્યેય છે. તો ટ્રેનનો ટ્રાવેલ-ટાઇમ યોગ-ટાઇમ બની જાય.’
ADVERTISEMENT
આ વખતની સ્થિતિ જોતાં આ કૅમ્પેનમાં આવનારા બદલાવો વિશે તેમણે કહ્યું હતું કે ‘આ વખતે માસ્ક પહેરીને અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને ટ્રેનમાં યોગ કરવાની વાત દર વર્ષ કરતાં જુદી પડવાની છે. એટલે જ આ વર્ષે અમે પ્રાણાયામની પ્રૅક્ટિસ નથી કરાવવાના. કેટલાક સૂક્ષ્મ વ્યાયામ અને ચાલતી ટ્રેને ભીડમાં બેસીને પણ થઈ શકે એવાં આસનો પર તેમ જ મહિલાઓ માટે ઉપયોગી મુદ્રા વિજ્ઞાન પર ફોકસ કરીશું. સાથે જ કોરોનામાં યોગ અને પ્રાણાયામની ઉપયોગિતા વધુ દૃઢતા સાથે લોકમાનસમાં પ્રસ્થાપિત થઈ છે એટલે ઇમ્યુનિટી માટે યોગ કઈ રીતે ઉપયોગી છે એ પણ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરીશું.’

