કાંજુરમાર્ગની જમીન રાજ્ય સરકારની હોવાના પુરાવા આપો
મેટ્રો-3નો કારશેડ જ્યાં ખસેડવામાં આવ્યો એ કાંજુરમાર્ગ સાઇટ.
મેટ્રો-3 કાર-ડેપો બાંધવા માટે પસંદ કરવામાં આવેલી જમીન રાજ્ય સરકારના તાબામાં હોવાના પુરાવા બીજેપીના નેતાઓએ માગ્યા છે. કાંજુરમાર્ગમાં મેટ્રો-3 કારશેડના બાંધકામ પર કેન્દ્ર સરકારની સ્ટૉપવર્ક નોટિસ પછી પર્યાવરણવાદીઓ અને મહા વિકાસ આઘાડી સરકારના આગેવાનોએ કરેલા ઊહાપોહને પગલે બીજેપીએ જણાવ્યું હતું કે હકીકતમાં એ જમીન કાનૂની વિવાદમાં ફસાયેલી છે અને મહા વિકાસ આઘાડી જો એની માલિકી રાજ્ય સરકારની હોવાનો દાવો કરતી હોય તો એની સાબિતી આપે.
રાજ્ય સરકારને પત્ર લખીને એમએમઆરડીએને મેટ્રો કાર-ડેપોનું બાંધકામ રોકવાની સૂચના આપવાનું જણાવ્યા પછી બીજેપી મેટ્રો રેલવે પ્રોજેક્ટમાં અડચણ ઊભી કરતી હોવાનો દાવો રાજ્યની આઘાડી સરકાર અને પર્યાવરણવાદીઓ કરે છે, પરંતુ બીજેપીએ ‘સૉલ્ટ પૅન લૅન્ડ’ પર માલિકી હક્ક-દાવો કરવા જેવાં ખોટાં પગલાં લઈને રાજ્યની આઘાડી સરકાર મેટ્રો પ્રોજેક્ટને ખોરંભે ચડાવવા પ્રયત્નશીલ હોવાનો આરોપ મૂક્યો હતો. એ જમીન કેન્દ્ર સરકારના સૉલ્ટ કમિશનરના તાબામાં હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું હતું.
ADVERTISEMENT
મહા વિકાસ આઘાડીના ઘટક પક્ષ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના બે નેતાઓ નવાબ મલિક (રાજ્યના પ્રધાન) અને સુપ્રિયા સુળે (સંસદસભ્ય)એ કાંજુર માર્ગની જમીન રાજ્ય સરકારની માલિકીની હોવાનો દાવો કર્યો છે. સુપ્રિયા સુળેએ કેન્દ્ર સરકાર પર મહારાષ્ટ્રના વિકાસમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ મૂક્યો છે.
બીજેપીના વિધાનસભ્ય આશિષ શેલારે રાજ્ય સરકાર માળખાકીય વિકાસની યોજનાઓને ધીમી પાડવાના અને મેટ્રો-3ના કાર-ડેપોનો પ્રોજેક્ટ શિફ્ટ કરવા પાછળ ‘છૂપા ઇરાદા’ હોવાના આરોપો મૂક્યા હતા. બીજેપીના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ કાંજુર માર્ગની જમીન વિવાદિત અને કાનૂની ગૂંચમાં અટવાયેલી હોવાની ઍડિશનલ ચીફ સેક્રેટરી મનોજ સૌનિકના વડપણમાં નિયુક્ત કરવામાં આવેલી નિષ્ણાતોની સમિતિના અહેવાલની નોંધ તરફ ધ્યાન દોર્યું હતું.

