સાત-આઠ દિવસ પહેલાં અજાણી મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું વિરારની માંડવી પોલીસે કહ્યું
વિરાર-ફાટા પાસેના જંગલમાં ગુરુવારે મોડી સાંજે મહિલાનું કપાયેલું માથું મળી આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.
ગુરુવારે હોળીના દિવસે લાકડાં લેવા માટે કેટલાક યુવકો વિરાર-ઈસ્ટમાં મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે નજીકના વિરાર-ફાટા પાસેના જંગલમાં ગયા હતા ત્યારે સૂટકેસમાંથી એક ત્રીસેક વર્ષની મહિલાનું માથું મળી આવ્યું હતું. મહિલાનું કપાયેલું માથું એક થેલીમાં ભરીને સૂટકેસમાં મૂકવામાં આવ્યું હતું. યુવકોએ પોલીસને જાણ કરતાં માંડવી પોલીસ-સ્ટેશનની ટીમ જંગલમાં પહોંચી હતી. મહિલાનું કપાયેલું માથું મળ્યું હતું એની નજીકથી બીજી એક સૂટકેસ પણ મળી આવી હતી, જેમાં કપડાં સહિતની વસ્તુઓ મળી આવી હતી. અજાણ્યા હત્યારાએ સાત-આઠ દિવસ પહેલાં મહિલાની હત્યા કર્યા બાદ એના શરીરના ટુકડા કર્યા બાદ એક સૂટકેસમાં માથું અને બીજી સૂટકેસમાં શરીરનાં બીજાં અંગો ભરીને જંગલમાં ફેંક્યાં હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું.
માંડવી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય હઝારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે મોડી સાંજે સ્થાનિક રહેવાસીઓ હોળીદહન માટે સૂકાં લાકડાં લેવા માટે વિરાર-ફાટા પાસેના પિરકુંડા દરગાહ પાસે ગયા હતા ત્યારે તેમણે એક સૂટકેસ પડેલી જોઈ હતી. તેમણે સૂટકેસ ખોલીને જોયું તો એમાં એક થેલીમાંથી મહિલાનું કપાયેલું માથું મળી આવ્યું હતું. જાણ કરાયા બાદ અમારી ટીમે ઘટનાસ્થળે પહોંચીને અજાણી મહિલાના માથાને તાબામાં લીધું હતું. આસપાસ તપાસ કરતાં બીજી એક સૂટકેસ પણ મળી હતી જેમાં કેટલાંક કપડાં હતાં. શક્ય છે કે હત્યારાએ મહિલાના શરીરનાં બીજાં અંગો પણ બીજી સૂટકેસમાં મૂક્યાં હશે. બીજી સૂટકેસમાંથી મળેલાં કપડાંને આધારે જીવ ગુમાવનારી મહિલા પશ્ચિમ બંગાળની હોવાની શક્યતા છે. જોકે હજી સુધી તેની ઓળખ નથી થઈ શકી. સાત-આઠ દિવસ પહેલાં મહિલાની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે. આ મહિલાની હત્યા કોણે અને શા માટે કરી છે એ જાણવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.’
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે વિરાર-ફાટા પાસે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવેને અડીને જંગલ આવેલું છે. આથી મહિલાના કપાયેલા માથા સાથેની સૂટકેસ કોઈક વાહનમાં લાવીને જંગલમાં ફેંકી ગયું હશે. પોલીસ આસપાસનાં ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન (CCTV)ની મદદથી આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

