આવી રીતે ડરાવીને સાઇબર ગઠિયાએ સિટિઝન મહિલા પાસેથી ૨૦.૨૫ કરોડ રૂપિયા પડાવી લીધા
પ્રતીકાત્મક તસવીર
સાઉથ મુંબઈમાં રહેતાં ૮૬ વર્ષનાં સિનિયર સિટિઝન મહિલાને છેતરીને સાઇબર ગઠિયાઓએ તેમની પાસેથી ૨૦.૨૫ કરોડ રૂપિયા પડાવ્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ કેસમાં સિનિયર સિટિઝન મહિલાની ફરિયાદના આધારે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરીને બે આરોપીઓને ઝડપી લીધા છે.
મુંબઈ પોલીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘છેતરપિંડીની આ ઘટના ૨૬ ડિસેમ્બરથી લઈને ૩ માર્ચ દરમ્યાન બની હતી. સાઇબર ગઠિયાઓએ સિનિયર સિટિઝન મહિલાનો ફોન પર સંપર્ક કરીને કહ્યું હતું કે તેઓ પોલીસ ઑફિસર છે અને તેમના આધાર કાર્ડ પર ઘણીબધી ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ છે એટલે તેમની ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી છે.’
ADVERTISEMENT
પોલીસ હોવાનો ડોળ કરી રહેલા આરોપીએ સિનિયિર સિટિઝનને ત્યાર બાદ કહ્યું હતું કે ‘તમારા આધાર કાર્ડની ડીટેલ્સ વાપરીને ઘણાંબધાં બૅન્ક-અકાઉન્ટ્સ ખોલવામાં આવ્યાં છે અને એમાં ઘણાંબધાં ગેરકાયદે ટ્રાન્ઝૅક્શન્સ કરવાની સાથે મની લૉન્ડરિંગ પણ કરવામાં આવ્યું છે. આથી તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’
આ સાંભળીને સિનિયર સિટિઝન મહિલાએ કહ્યું હતું કે તે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલી નથી. આના જવાબમાં ગઠિયાઓએ તેમને કહ્યું હતું કે જો તમારે આ કેસથી બચવું હોય તો તમારી બધી જ રકમ બીજા એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો જેથી તમારું નામ દરેક કેસમાંથી દૂર થઈ જશે. આ ઇન્સ્ટ્રક્શનના આધારે વૃદ્ધ મહિલાએ બધા રૂપિયા બીજા એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા જે સાઇબર ગઠિયાઓએ લઈ લીધા હતા.
આ સિનિયર સિટિઝન મહિલાએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થયા બાદ પોલીસમાં એની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. એમાં તેમણે મલાડના ૨૦ વર્ષના શયાન જમીલ શેખ અને મીરા રોડના રઝાક આઝમ બટ્ટને તાબામાં લીધા હતા. પોલીસને શંકા છે કે રઝાક ઇન્ટરનૅશનલ ગૅન્ગનો સભ્ય હોઈ શકે છે. પોલીસને તપાસ દરમ્યાન એવું જાણવા મળ્યું હતું કે રઝાકે ૧૩ જેટલા વિદેશીઓ સાથે મળીને ટેલિગ્રામ પર અકાઉન્ટ બનાવ્યું હતું અને અહીંના લોકોનાં બૅન્ક-અકાઉન્ટ્સની ડીટેલ્સ તેમના સુધી પહોંચાડતો હતો. પોલીસે હવે એ બાબતે વધુ તપાસ કરીને તેમની ટીમના અન્ય સભ્યોને પકડવાની સાથે ફરિયાદી મહિલાના ૨૦.૨૫ કરોડ રૂપિયા કોને અને કેવી રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા એની માહિતી મેળવવાની કોશિશ કરી રહી છે.

