મુંબઈમાં ૧૯ એવા જોખમી બ્લાઇન્ડ ટર્ન છે જ્યાં આગળનું દેખાતું નથી અને ૪૦ એવા સ્પૉટ છે જ્યાં અકસ્માત થવાની ભારોભાર શક્યતા હોય છે.
મુંબઈના રસ્તાઓ
મુંબઈની ટ્રાફિક-પોલીસ દ્વારા હાલમાં જ રોડ-સેફ્ટીના મુદ્દે મુંબઈના રોડની ચકાસણી કરવામાં આવી હતી. એમાં બીજી બાબતો સાથે એવું જણાઈ આવ્યું છે કે મુંબઈમાં ૧૯ એવા જોખમી બ્લાઇન્ડ ટર્ન છે જ્યાં આગળનું દેખાતું નથી અને ૪૦ એવા સ્પૉટ છે જ્યાં અકસ્માત થવાની ભારોભાર શક્યતા હોય છે. સોમવારે જ ગોરેગામ ઈસ્ટ-વેસ્ટને જોડતા વીર સાવરકર ફ્લાયઓવર પરથી બાઇક ચલાવી રહેલો યુવાન તેના ફ્રેન્ડ સાથે નીચે પટકાતાં બન્નેનાં મોત થયાં હતાં. એ વીર સાવરકર બ્રિજને વેસ્ટમાં આગળ વસારી હિલ રોડ સાથે કનેક્ટ કરતા બ્રિજ પર આવો જ બ્લાઇન્ડ ટર્ન છે જેમાં થોડે જ આગળ જઈ રહેલું વાહન દેખાતું નથી અને ત્યાં રોડ સાંકડો થઈ જતાં અકસ્માત થતા રહે છે.
ટ્રાફિક-પોલીસને એની ચકાસણીમાં જણાઈ આવ્યું છે કે એવાં ૫૯ સ્પૉટ છે જ્યાં રોડ-ડિવાઇડરની જરૂર છે, જ્યારે ૩૩ જગ્યાએ ડિવાઇડર ઊંચાં કરવાની જરૂરિયાત જણાઈ છે અને ચાર સ્પૉટ એવાં પણ મળી આવ્યાં છે જ્યાં ડિવાઇડરની જરૂર જ નથી. આ ઉપરાંત ૩૮ સ્પૉટ પર સિગ્નલ રાખવાં પડે એવું તપાસમાં જણાઈ આવ્યું છે. ટ્રાફિક-પોલીસના ઑફિસરે એમ પણ કહ્યું હતું કે ‘ઘણી વખત એવું જોવા મળ્યું છે કે બ્રિજની શરૂઆત થતી હોય ત્યાં વાહનો ડિવાઇડર સાથે ભટકાતાં હોય છે. એથી એ સ્પૉટ પર રિફ્લેક્ટર સાથેનાં બૅરિકેડ્સ ડિવાઇડરની આગળ ટ્રાયેન્ગ્યુલર શેપમાં બેસાડવામાં આવ્યાં છે.’
ADVERTISEMENT
ટ્રાફિક-પોલીસે કરેલી આ ચકાસણીનો અહેવાલ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને મોકલવામાં આવ્યો છે અને હવે એ આ બાબતે આગળ પગલાં લેશે કે ક્યાં ડિવાઇડર મોટાં કરવાનાં છે, નાનાં કરવાનાં છે, ટ્રાફિક આઇલૅન્ડ બનાવવાના છે વગેરે. સાથે જ બ્લાઇન્ડ ટર્ન અને ઍક્સિડન્ટની શક્યતા ધરાવતાં સ્પૉટ પર પણ ઉપાય-યોજના હાથ ધરવામાં આવશે.