મુંબઈ પોલીસના કહેવા મુજબ શહેરમાં ૧૦,૦૦૦ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા એટલે કે ત્રીજી આંખ બધે નજર રાખી રહી છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસના કહેવા મુજબ શહેરમાં ૧૦,૦૦૦ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા એટલે કે ત્રીજી આંખ બધે નજર રાખી રહી છે એટલે મુંબઈગરાઓએ બહુ ચિંતા કરવા જેવું નથી એમ કહેવાય છે, પણ હકીકત એનાથી વિપરીત છે. આટલા CCTV કૅમેરા હોવા છતાં મુંબઈમાં દરરોજ મોબાઇલ ફોન, મહિલાની ચેઇન કે બીજો સામાન આંચકી લેવાની ઘટનાઓ બની રહી છે. ગુનેગારો મેઇન રોડને બદલે નાની ગલીઓમાં મોટા ભાગે ચીલઝડપ કરે છે. ગલીઓમાં પણ CCTV કૅમેરા હોય છે, પણ મોટા ભાગે એ બંધ હોય છે અથવા તો એ ખોટા ઍન્ગલે મૂકવામાં આવ્યા હોય છે જેનો ફાયદો ગુનેગારો લેતા હોવાનું જાણવા મળ્યું હતું.
મોબાઇલ કે સોનાની ચેઇન આંચકવાની તાજેતરમાં કેટલીક ઘટનાઓ બની હતી; જેમાં આરોપીને પકડવાની વાત તો દૂર રહી, પોલીસ તેમની ઓળખ પણ નથી કરી શકી. ઘટનાસ્થળે પોલીસની ટીમ જાય છે ત્યારે એ સ્થળના CCTV કૅમેરા બંધ હોવાની જાણ થાય છે અથવા એ કૅમેરા એવી રીતે મૂકવામાં આવ્યા હોય છે જેમાં કંઈ કૅપ્ચર નથી થતું. આ બાબત પોલીસથી વધુ ગુનેગારો જાણે છે એટલે તેઓ ધોળે દિવસે ખુલ્લેઆમ ચીલઝડપ કરીને છટકી જાય છે.
ADVERTISEMENT
તાજેતરમાં કાંદિવલી-ઈસ્ટમાં આવેલા સમતાનગર પોલીસ-સ્ટેશનની હદમાં ડૉ. પ્રશાંત મિશ્રા ઠાકુર વિલેજની એક સોસાયટીમાંથી બહાર નીકળ્યા ત્યારે પાછળથી મોટરસાઇકલ પર આવેલો યુવક તેમનો દોઢ લાખ રૂપિયાનો મોબાઇલ આંચકીને પલાયન થઈ ગયો હતો. ડૉ. પ્રશાંત મિશ્રાએ સમતાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી; પણ હજી સુધી પોલીસ ચીલઝડપ કરનારાને ઓળખી નથી શકી, કારણ કે ઘટનાસ્થળના CCTV કૅમેરા બંધ છે. એવી જ રીતે ફોટોગ્રાફર નગીન અરુણ ભાઈંદરથી અંધેરી બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે તેને મોટરસાઇકલ પર આવેલા બે યુવકે રોક્યો હતો. યુવકોએ ફોટોગ્રાફરે એક લાખ રૂપિયાની ગળામાં પહેલી સોનાની ચેઇન આંચકી લીધી હતી અને તેની બાઇકને ધક્કો મારીને પાડી દીધી હતી. બાદમાં આરોપીઓ પલાયન થઈ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે તપાસ કરી તો ત્યાંના CCTV કૅમેરા બંધ હતા.