ટોચનાં ૧૦૦ સિટીમાં ભારતનાં ૬ શહેરોનો સમાવેશ
ફરી એક વાર દેશના સૌથી બેસ્ટ ફૂડ સિટી તરીકે મુંબઈ ઊભરી આવ્યું છે.
ભારતની પારંપરિક રાંધણકળાએ ફરી એક વાર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ટ્રેડિશનલ ફૂડ અને ટ્રાવેલ માટેની ઓનલાઇન ગાઇડ ટેસ્ટ-ઍટલસના ૨૦૨૫-’૨૬ના બેસ્ટ ફૂટ સિટી લિસ્ટમાં સતત બીજી વાર મુંબઈ પાંચમા નંબરે આવ્યું છે. આ લિસ્ટમાં ટૉપ ટેનની યાદીમાં આવનાર મુંબઈ ભારતનું એકમાત્ર સિટી છે. આમ ફરી એક વાર દેશના સૌથી બેસ્ટ ફૂડ સિટી તરીકે મુંબઈ ઊભરી આવ્યું છે.
આ કારણે મુંબઈનું ફુડ પ્રખ્યાત
ADVERTISEMENT
શહેરની ઓળખ એના સ્ટ્રીટ-ફૂડથી થતી હોય છે. મુંબઈમાં ચોપાટી પર ભેળનો સ્વાદ પણ એટલો જ સરસ હોય છે અને મધરાતે રેંકડી પર મળતી પાંઉભાજી પણ ટેસ્ટી બને છે. એટલું જ નહીં, મુંબઈમાં દિવસ દરમ્યાન અનેક લોકો જે ખાઈને પોતાની ભૂખ સંતોષે છે એ વડાપાંઉ કે પછી વરાળમાં ગરમાગરમ મળતા મોદક અને રગડા-પૅટીસે પણ મુંબઈની ફૂડ સિટી તરીકે વૈશ્વિક ઓળખ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
અહીં અચૂક જજો
ટેસ્ટ-ઍટલસ દ્વારા મુંબઈની ઓળખસમી બની ગયેલી કેટલીક રેસ્ટોરાં જેમ કે રામઆશ્રય, શ્રી ઠાકર ભોજનાલય, કૅફે મદ્રાસ, નવાબ સાહબ અને બાબા ફાલૂદાનો પણ ઉલ્લેખ કરીને જો મુંબઈના ફૂડને માણવા માગતા હો તો એ રેસ્ટોરાંની મુલાકાત લેવા જણાવ્યું હતું.
હંમેશાં દોડતા રહેતા મુંબઈની લાઈફમાં લોકો ઑફિસ જતી વખતે કે ઘરે જતી વખતે પણ સ્ટ્રીટ-ફૂડનો નાસ્તો કરી લેતા હોય છે. બહારગામથી આવનારા ટૂરિસ્ટો પણ સ્ટ્રીટ-ફૂડનો સ્વાદ લેતા જાય છે. ટેસ્ટ-ઍટલસમાં ભારતનાં બીજાં શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં અમૃતસરનો એના પંજાબી ફૂડ માટે તથા ન્યુ દિલ્હી, હૈદરાબાદ, કલકત્તા અને ચેન્નઈનો સમાવેશ પણ ટોચનાં ૧૦૦ સિટીમાં કરવામાં આવ્યો છે.


