ધોધમાર અને સતત તો નહીં, પરંતુ થોડા સમયમાં બધું ભીંજવી જાય એવા સાંજના સમયે પડતાં ઝાપટાંનો દોર હશે
ફાઇલ તસવીર
મૉન્સૂન હવે વિદાય લઈ રહ્યું છે ત્યારે એ જતાં-જતાં પણ મુંબઈગરાને ભીંજવતું જશે. ખાસ કરીને સાંજના સમયે કડાકાભડાકા સાથે વરસાદનાં ઝાપટાં આવશે. ધોધમાર તો નહીં, પણ હળવાથી મધ્યમ ઝાપટાં પડશે એમ હવામાન ખાતાનું કહેવું છે. આજથી શુક્રવાર સુધી આવી પરિસ્થિતિ રહેશે.
આ વિશે માહિતી આપતાં હવામાન ખાતાના મુંબઈના ડિરેક્ટર સુનીલ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૉન્સૂન સત્તાવાર રીતે હવે વિદાય લઈ રહ્યું છે. ઑલરેડી ઈસ્ટર્ન મહારાષ્ટ્રમાં એની અસર વર્તાઈ રહી છે. મંગળવાર આઠમી ઑક્ટોબરથી શુક્રવાર ૧૧ ઑક્ટોબર દરમ્યાન એની અસર મુંબઈ સહિત આજુબાજુના વિસ્તારોમાં જોવા મળશે. આ દિવસોમાં બપોરે અને સાંજના સમયે ગાજવીજ સાથે ઝાપટાં પડશે.’
ADVERTISEMENT
સોશ્યલ મીડિયા પર ‘મુંબઈ રેઇન્સ’ અકાઉન્ટ ઑપરેટ કરતા હૃષીકેશ આગ્રેએ કહ્યું છે કે ‘વાતાવરણમાં હાલ જે પરિબળો જણાઈ રહ્યાં છે એ મુજબ પૂ્ર્વી દિશામાંથી પવન વાઈ રહ્યો છે જેની અસર ઘાટ વિસ્તાર સહિત મુંબઈ અને આખા મુંબઈ મેટોપૉલિટન રીજનમાં જણાઈ રહી છે. જેમ-જેમ એનું જોર ઘટતું જશે એમ-એમ દિવસના તાપમાનમાં વધારો થતો જશે અને અંતરિયાળ વિસ્તારોમાં પારો ૩૫ ડિગ્રી સુધી પણ પહોંચી જશે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધતું લાગશે. આ અચાનક વધેલી ગરમીના કારણે સાંજના સમયે વરસાદનાં ઝાપટાં પડી શકે. એમાં પણ મંગળવારથી ગુરુવાર સુધી એ વધુ માત્રામાં પડે એવી શક્યતા છે.’