શનિવારે સાંજે પડેલા ભારે વરસાદમાં મિલન સબવે, અંધેરી સબવે અને દહિસર સબવેમાં પાણી ભરાઈ ગયાં : મુખ્ય પ્રધાને વરસતા વરસાદમાં મિલન સબવે પર પહોંચીને શું પરિસ્થિતિ છે અને કઈ રીતે પાણીનો નિકાલ કરાય છે એનું નિરીક્ષણ કર્યું
રવિવારે મિલન સબવેનું નિરીક્ષણ કરતા સીએમ એકનાથ શિંદે (તસવીર સૌજન્ય : સીએમઓ)
લાંબી રાહ જોવડાવ્યા બાદ શનિવારે બપોર પછી સક્રિય થયેલા મૉન્સૂનને કારણે મુંબઈ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે જોરદાર બૅટિંગ કરી હતી અને પહેલા જ વરસાદમાં મુંબઈમાં સાંતાક્રુઝ અને વિલે પાર્લે વચ્ચે આવેલા મિલન સબવે, અંધેરી સબવે અને દહિસર સબવેમાં પાણી ભરાઈ ગયાં હતાં. મોસમ વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સાંજે ૫.૩૦ વાગ્યાથી લઈને રાતના ૮.૩૦ વાગ્યા દરમિયાન સાંતાક્રુઝમાં ૮૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો. આમ ભારે વરસાદ પડવાને કારણે મિલન સબવેમાં પાણી ભરાઈ ગયાં હતાં. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગઈ કાલે સવારે વરસતા વરસાદમાં મિલન સબવે પહોંચી ગયા હતા અને ત્યાં શું પરિસ્થિતિ છે અને કઈ રીતે પાણીનો નિકાલ કરાય છે એનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે એ નિરીક્ષણ કરીને કહ્યું હતું કે ‘ભારે વરસાદમાં મિલન સબવેમાં પાણી ભરાતું હોય છે એટલે જ અહીં એ પાણીનો વહેલી તકે નિકાલ કરવા પમ્પ બેસાડવામાં આવ્યા છે. એ પમ્પ દ્વારા ખેંચાયેલું પાણી પહેલાં નાળામાં અને ત્યાર બાદ એક ટૅન્કમાં છોડવામાં આવે છે. વળી ત્યાં ફ્લડ ગેટ પણ લગાડવામાં આવ્યા છે. એથી જો દરિયામાં ભરતી હોય તો એ પાણી પાછું નથી આવી શકતું. આ રીતે સબવેમાં ભરાતા પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે. અમે બીએમસીના કમિશનર આઇ. સી. ચહલ અને ઍડિશનલ કમિશનર પી. વેલારાસુને પણ કહ્યું છે કે આ જ પ્રકારની ગોઠવણ અંધેરી અને દહિસર સબવેમાં પણ કરવામાં આવે, જેથી ભારે વરસાદના સમયે પણ લોકોની અને વાહનોની અવરજવર ચાલુ રહે અને કોઈએ હાડમારી ભોગવવી ન પડે.’