પહેલી વાર ૨૬ નવેમ્બરથી પહેલી ડિસેમ્બર સુધી આમ આદમી બંદરમાં ચાલતી કાર્યવાહી સહિતની બાબતો નિહાળી શકશે
પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)
મુંબઈમાં રહેતા સામાન્ય મુંબઈગરાએ મુંબઈ બંદરનું નામ સાંભળ્યું હોય છે, પણ ખરેખર બંદર કેવું હોય અને ત્યાં કેવી રીતે કામ ચાલે છે એની જાણકારી હોતી નથી. જોકે હવે મુંબઈ પોર્ટ ટ્રસ્ટે સામાન્ય લોકોને બંદર જોવા મળે, એની માહિતી મળે, એનો ઇતિહાસ જાણી શકે એ માટે ૨૬ નવેમ્બરથી પહેલી ડિસેમ્બર સુધી ૬ દિવસ સામાન્ય લોકોને પોર્ટ જોવા ખુલ્લું મૂકવાનો નિર્ણય લીધો છે.
મુંબઈ પોર્ટ ટ્રસ્ટ પાસે એક લાખ ચોરસ મીટર કરતાં વધુ જગ્યા છે જેમાંથી ૪૦,૦૦૦ સ્ક્વેર મીટર જહાજ માટે વાપરવામાં આવે છે. પોર્ટમાં ૬૩ જહાજ લાંગરી શકાય છે અને એ માટે પાંચ જેટી બનાવવામાં આવી છે. આ ઉપરાંત ઊંડા સમુદ્રમાં મોટાં જહાજો લાંગરી શકે એ માટે ૬૯ લંગર નાખવાની વ્યવસ્થા છે.
મુંબઈ પોર્ટ ટ્રસ્ટ પાસે ૯૪૪ હેક્ટર જમીન છે જેમાંથી ૩૦૦ હેક્ટર જમીન કર્મચારીઓની હાઉસિંગ કૉલોની, ઑફિસ બિલ્ડિંગ, અન્ય સરકારી વિભાગો (કસ્ટમ્સ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ)ની ઑફિસોને જગ્યા ભાડે આપવામાં આવી છે. આ બધું છેલ્લાં ૧૫૦ વર્ષથી છે, પણ ભાગ્યે જ સામાન્ય મુંબઈગરાને એની જાણ હોય છે.
માઝગાવ ડૉક પાસેના ભાઉ ચા ધક્કાથી લઈને કોલાબાના સસૂન ડૉક સુધી ફેલાયેલા મુંબઈ બંદરની શરૂઆત કપાસની નિકાસથી થઈ હતી, જેની કેટલીક નિશાનીઓ આજે પણ ત્યાં જોવા મળે છે. આમ એની મુલાકાત લેવાથી ઐતિહાસિક વારસો જોવા મળશે અને બંદરની કાર્યવાહી જોવાનો લાભ પણ મુંબઈગરાને આ છ દિવસ દરમ્યાન મળી શકશે.