મુંબઈ પોલીસના અધિકારીઓની અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવતાં ૩૦ કલાકની અંદર જ ૬ આરોપીને છેક ગુજરાતથી ઝડપી લેવાયા
ફાઇલ તસવીર
મુંબઈ પોલીસ જો કરવા ધારે તો કોઈ પણ કેસ સૉલ્વ કરી શકે એવી તેની શાખ છે અને એ ફરી એક વાર પુરવાર થયું છે. રવિવારે કાલબાદેવીના આંગડિયાને ત્યાંથી ૪.૦૩ કરોડ રૂપિયાની રોકડ લૂંટી છ લૂંટારા નાસી ગયા હતા. એ કેસમાં મુંબઈ પોલીસના ચુનંદા અધિકારીઓની અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવતાં ૩૦ કલાકની અંદર જ ૬ આરોપીને છેક ગુજરાત જઈ ઝડપી લેવાયા હતા. એટલું જ નહીં, તેમની પાસેથી લૂંટાયેલી રકમ ૧૦૦ ટકા રિકવર કરાઈ છે.
કાલબાદેવીની રામવાડીમાં કેડીએમ એન્ટરપ્રાઇઝમાં રવિવારે ૬ લૂંટારા ત્રાટક્યા હતા અને તેઓ કંપનીના બે કર્મચારીઓને બાંધી કંપનીના ૪.૦૩ કરોડ રૂપિયા લઈ પોબારા ગઈ ગયા હતા. ત્યાર બાદ કંપનીના શેઠિયાઓને આ બાબતે જાણ કરાઈ હતી અને એલટી માર્ગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ કરાઈ હતી. એલટી માર્ગ પોલીસે આ સંદર્ભે લૂંટનો ગુનો નોંધી કેસની તપાસ ચાલુ કરી હતી.
ADVERTISEMENT
આ લૂંટમાં ૪.૦૩ કરોડની રકમ હોવાથી પોલીસના ઉચ્ચ અધિકારીઓને એની જાણ થતાં એડિશનલ સીપી સાઉથ ઝોન ડૉ. અભિનવ દેશમુખની દોરવણી હેઠળ ઝોન-ટૂના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ડૉ. મોહિતકુમાર ગર્ગ અને અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ જ્યોત્સના રાસમે તરત જ પગલાં લીધાં હતાં અને એલટી માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર વાઘની સાથે મળી તેમની ક્રાઇમ ટીમ અને ઝોન-ટૂનાં અન્ય પોલીસ સ્ટેશન પાયધૂની અને વી.પી. રોડ પોલીસ સ્ટેશનના પણ ચુનંદા ઑફિસર્સની અલગ-અલગ ટીમ બનાવી કેસ ઉકેલવા પગલાં લેવાયાં હતાં. ઘટનાસ્થળના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ અને અન્ય કૅમેરાનાં ફુટેજ મેળવાયાં અને સાથે જ આરોપીઓ બાબતે ખબરી નેટવર્કમાં પણ માહિતી સર્ક્યુલેટ કરવામાં આવી હતી, જેમાંથી એવી માહિતી મળી હતી કે આ લૂંટ ચલાવનારા ગુજરાત અને રાજસ્થાન બૉર્ડર પરના છે અને તેઓ ગુજરાત નાસી ગયા છે. એથી એક ટીમ તેમની પાછળ ગુજરાત મોકલવામાં આવી હતી. આખરે એ ટીમે તમામ છએ છ આરોપીઓને ઉત્તર ગુજરાત, બનાસકાંઠાથી ઝડપી લીધા હતા. આરોપી હર્ષદ ચેતનજી ઠાકુર, રાજુભા પ્રહ્લાદસિંહ વાઘેલા, અશોકભા જેઠાભા વાઘેલા, ચરભા નથુભા
વાઘેલા, મેહુલસિંહ જેસુભા ઢાબી અને ચિરાગજી ગલાબજી ઠાકુરને પકડીને એલટી માર્ગ પોલીસ મુંબઈ લઈ આવી હતી. તેમની પાસેથી તેમણે લૂંટેલી પૂરેપૂરી ૪.૦૩ કરોડની રકમ પણ પાછી મેળવવામાં આવી હતી. આ આખું ઑપરેશન ૩૦ કલાકમાં આટોપી લેવાયું હતું.