નામ પ્રકાશ દેવાસી છે અને તે રાજસ્થાનનો હોવાની અમને માહિતી મળી છે. આ કેસમાં અમે આરોપીના ફોટો બીજા પોલીસ-સ્ટેશનમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રતીકાત્મક તસવીર
સાયન રેલવે-સ્ટેશને સોમવારે સાંજે એક પ્રવાસીનો મોબાઇલ છીનવીને નાસી રહેલા ૨૧ વર્ષના પ્રકાશ દેવાસીને ફરજ પરના ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના અધિકારીઓએ પીછો કરીને ઝડપી લીધો હતો. આ મામલે દાદર GRPએ પ્રકાશ સામે ચોરીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. પ્રકાશ મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો વતની હોવાની સાથે તે મુંબઈમાં ફક્ત ચોરી કરવાના ઇરાદાથી આવતો હોવાની પ્રાથમિક માહિતી મળતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એટલું જ નહીં, તેણે મુંબઈના અન્ય વિસ્તારોમાં ચોરીને અંજામ આપ્યો હોવાની શંકા વ્યક્ત કરી છે.
આરોપી સામે મુંબઈ સહિત ગુજરાતમાં ચોરીના ગુના નોંધાયા હોવાની શક્યતા છે એમ જણાવતાં દાદર GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દાદરમાં કપડાનો વ્યવસાય કરતા રોહિતકુમાર મંડલ સોમવારે બપોરે એક વાગ્યે સાયન રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર બે પર ઊતરી રહ્યા હતા ત્યારે તેમણે મોબાઇલ હાથમાં રાખ્યો હતો. તેમના હાથમાં મોબાઇલ જોતાં એક યુવકે તેમનો મોબાઇલ ઝૂંટવીને પ્લૅટફૉર્મ પરથી પાટા પર કૂદી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ સમયે રોહિતકુમારે ચોર-ચોરની બૂમો પાડતાં સાયન રેલવે-સ્ટેશને હાજર અમારા અધિકારીઓ પાટા પર ઊતરીને નાસી રહેલા યુવકની પાછળ દોડ્યા હતા. ૭૦૦ મીટરના ડિસ્ટન્સે અમારા અધિકારીએ તેને પકડી પાડ્યો હતો. તેની ઝડતી લેતાં તેના ખિસ્સામાંથી તફડાવેલો મોબાઇલ મળી આવ્યો હતો. તેનું નામ પ્રકાશ દેવાસી છે અને તે રાજસ્થાનનો હોવાની અમને માહિતી મળી છે. આ કેસમાં અમે આરોપીના ફોટો બીજા પોલીસ-સ્ટેશનમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.’

