મહિલાઓની સુરક્ષા માટે રેલવે-પોલીસ પણ થઈ સજ્જ
ગઈ કાલે ગેટવે ઑફ ઇન્ડિયા પર થર્ટીફર્સ્ટ નાઇટ માટેના બંદોબસ્તની તૈયારીઓને આખરી ઓપ આપતી પોલીસ.
રેલવે-પોલીસની આ હેલ્પલાઇન નંબર પર ફોન કરશો તો વધુમાં વધુ દસ મિનિટમાં રિસ્પૉન્સ મળવાની કમિશનરે આપી ખાતરી
આજે રાત્રે થર્ટી-ફર્સ્ટ મનાવવા જનારા લોકો સુખરૂપ પોતાના ઘરે પાછા ફરે એના માટે સિટી પોલીસની સાથે રેલવે-પોલીસે પણ ખાસ તૈયારી કરી છે. એમાં પણ મરીનડ્રાઇવ, ગેટવે ઑફ ઇન્ડિયા જેવા વિસ્તારોમાં થર્ટી-ફર્સ્ટ મનાવવા ગયેલી મહિલાઓ સલામત રીતે પોતાના ઘરે પહોંચી જાય એ માટે વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેના ચર્ચગેટ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્ટેશન પર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનો સાથે મળીને ખાસ તૈયારી કરવામાં આવી છે.
ADVERTISEMENT
રેલવે-પોલીસ કમિશનર રવીન્દ્ર શિસવેએ કહ્યું હતું કે ‘મોટી સંખ્યામાં લોકો મરીન ડ્રાઇવ અને ગેટવે ઑફ ઇન્ડિયા જેવી જગ્યાએ થર્ટી-ફર્સ્ટ સેલિબ્રેટ કરવા આવતા હોય છે. એમાં મોટી સંખ્યામાં મુંબઈગરા લોકલ ટ્રેનનો ઉપયોગ કરતા હોવાથી ચર્ચગેટ સ્ટેશન અને CSMT પર ગિરદી થતી હોય છે. આ બે જગ્યાએ કોઈ ગેરકાયદે કામ ન થાય એ માટે લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે કે તેઓ દારૂના નશામાં તો સ્ટેશનમાં નથી આવ્યાને. જો કોઈ એવું મળશે તો તેને બહાર મોકલી દેવામાં આવશે. આમ તો રાતના સમયે અમે લેડીઝ કોચમાં એક કૉન્સ્ટેબલ રાખીએ જ છીએ. આજે પણ આ નિત્યક્રમને સખતાઈથી અમલમાં મૂકવામાં આવશે. જો કોઈ મહિલાને ટ્રેનમાં કે સ્ટેશન પર કંઈ ખોટું કે ગેરકાયદે થતું દેખાય તો તેમણે તરત જ ૧૫૧૨ નંબર પર અમારો સંપર્ક કરવાનો રહેશે. પાંચથી દસ મિનિટમાં તમને રિસ્પૉન્સ મળશે.’
CMએ કરી મુંબઈના પોલીસ-કમિશનર સાથે મીટિંગ
ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના પોલીસ-કમિશનર વિવેક ફણસળકર સાથે મીટિંગ કરીને આજે રાત્રે મુંબઈગરા સલામત રીતે નવા વર્ષને આવકારે એના માટે કરવામાં આવેલી તૈયારીઓની ચર્ચા કરી હતી. પોલીસ-કમિશનરને તેમણે મહિલાઓ સાથે શહેરમાં ક્યાંય અભદ્ર વર્તન કે છેડછાડ ન થાય એની ખાસ તકેદારી રાખવા કહ્યું હતું. આ સિવાય જે જગ્યાએ મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે એ તમામ સ્થળોએ પૂરતો પોલીસ-બંદોબસ્ત રાખવાનો આદેશ આપ્યો છે. આ સિવાય તેમણે લોકોને કારણ વગર કોઈ હેરાનગતિ ન થાય એની પણ તકેદારી રાખવા કહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
6000- આજે રાત્રે GRP અને RPFના આટલા જવાનો લોકોની સુરક્ષા માટે તહેનાત રહેવાના છે
7000- આટલા CCTV કૅમેરાની મદદથી લોકોની ગતિવિધિ પર નજર રાખવામાં આવશે.
નવું વર્ષ નશામાં નહીં, સભાનતામાં મનાવો
આવતી કાલથી શરૂ થઈ રહેલા નવા વર્ષમાં સિગારેટ, તંમાકુ અને ડ્રગ્સની લતથી દૂર રહેવાની નશાબંધી મંડળે લોકોને અપીલ કરી છે. ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર મંડળના કાર્યકરો પ્રાણીનો વેશ ધારણ કરીને પ્લૅકાર્ડ લઈને ઊભા રહ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘અમે કોઈ વ્યસન નથી કરતાં, તો પછી તમે તો માણસ છો. નવું વર્ષ નશામાં નહીં, સભાનતામાં મનાવો.’ (તસવીર: શાદાબ ખાન)
નવા વર્ષમાં ભરો નવી ઉડાન
આવતી કાલે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે મુંબઈની પતંગબજારમાં ૨૦૨૫ને આવકારતી પતંગો પણ આવી ગઈ છે.