પ્રૉપર્ટી ટૅક્સનુ પેમેન્ટ નહીં કરનારને પેનલ્ટી લગાવવા સામે લોકોનો વિરોધ
બીએમસી
૮ માર્ચે ૨૦૨૦-’૨૧નો પ્રૉપર્ટી ટૅક્સ ચૂકવવાનો છેલ્લો દિવસ હતો. એ દિવસે કરદાતાઓએ ૪૧૫.૮૫ કરોડ રૂપિયા પ્રૉપર્ટી ટૅક્સ રૂપે મુંબઈ મહાનગરપાલિકાને ચૂકવ્યા હતા. તેમ છતાં, ઘણા કરદાતાઓએ હજી પ્રૉપર્ટી ટૅક્સ ચૂકવ્યો નથી. તેઓ ટૅક્સનાં બિલ મોડાં મળ્યાં હોવાનો દાવો કરે છે. એ સંજોગોમાં ચૂકવણાં બાકી નીકળતાં હોય એવાં બિલોના પેમેન્ટમાં વિલંબ બદલ લાગુ કરવામાં આવતી બે ટકા પેનલ્ટી સામે પણ ઘણા નાગરિકોએ વાંધો ઉઠાવ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષ માટે પ્રૉપર્ટી ટૅક્સ રૂપે વસૂલ કરેલી રકમ ૩૪૮૬ કરોડ રૂપિયા થાય છે. આ રકમ આ વર્ષની વેરાવસૂલીના લક્ષ્ય-ટાર્ગેટની રકમ ૫૨૦૦ કરોડ રૂપિયાના ૬૭ ટકા જેટલી થાય છે. જોકે લક્ષ્યાંક પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ હોવાનું બયાન મુંબઈ મહાનગરપાલિકાના વહીવટી તંત્રે આપ્યું હતું. નાગરિકોને પેનલ્ટીથી બચવા માટે વહેલી તકે પ્રૉપર્ટી ટૅક્સ ભરવાની અપીલ મુંબઈ મહાનગરપાલિકાના એસેસર ઍન્ડ કલેક્ટર ડિપાર્ટમેન્ટે બહાર પાડી હતી. પ્રૉપર્ટી ટૅક્સ ભરવાનું યાદ કરાવવા તેમ જ સમયસર ભરવાની અપીલમાં મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘મિલકત વેરો સમયસર ચૂકવવામાં ન આવે તો પાણીપુરવઠો કાપી નાખવા કે મૂવેબલ પ્રૉપર્ટી જપ્ત કરવા જેવાં પગલાં લેવાની શક્યતા હોય છે. એ શક્યતા ટાળવા માટે સંપત્તિ વેરો સમયસર ભરવાનો નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.’

