ટ્રૅક ક્રૉસ કરતા કે ટ્રેન પર પથ્થર ફેંકતા લોકોને હવે પકડી શકાશે
બહુ જ જલદી આ રીતે ટ્રેક ક્રૉસ કરતાં હશો તો પોલીસની નજરમાં આવી જશો. તસવીર : સતેજ શિંદે
ટૂંક સમયમાં વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનની આગળ સીસીટીવી કૅમેરા લગાવીને ટ્રૅકની ઉપર તેમ જ મોટરમૅન પર નજર રાખી શકાશે. મોટરમૅનના કોચની અંદર તેમ જ ટ્રેનની આગળ કૅમેરા લગાવવાથી ટ્રૅકની ગતિવિધિઓ કૅમેરામાં કેદ થઈ જવાથી કોઈ અણબનાવ બન્યો હશે તો એની માહિતી સરળતાથી મળી શકશે. કેટલાક પ્રવાસીઓ ગેરકાયદે ટ્રૅક ક્રૉસ કરતા હોય છે અને એને કારણે મોત પણ નીપજે છે તો અમુક લોકો સામે ચાલીને ટ્રૅક પર આત્મહત્યા કરતા હોય છે ત્યારે સીસીટીવી કૅમેરાની મદદથી એ પણ જાણી શકાશે કે મૃત્યુ ટ્રૅક ક્રૉસ કરતાં થયું છે કે આત્મહત્યા કરી છે. જોકે ૬૦ ટકા મૃત્યુ ટ્રૅક ક્રૉસ કરતાં થતાં હોય છે. સીસીટીવીથી વ્યક્તિની ઓળખ કરવી પણ સરળ બનશે. વળી અમુક લોકો લોકલ ટ્રેન પર પથ્થર ફેંકતા હોય છે તો એવી ગૅન્ગ પર પણ સીસીટીવી કૅમેરા દ્વારા ચાંપતી નજર રાખી શકાશે.
આ બાબતે વેસ્ટર્ન રેલવેના પીઆરઓ સુમિત ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોટરમૅનની કેબિનની અંદર એક અને બહાર એક સીસીટીવી કૅમેરા લગાડવાથી મોટરમૅન તેમ જ ટ્રૅક પર નજર રાખી શકાશે. આ ઉપરાંત લોકલ ટ્રેનની દુર્ઘટનાઓ, ટ્રેનની સ્પીડ તેમ જ રેલવે-અકસ્માત, ક્યારેક સામસામે આવી જતી ટ્રેન, સ્પીડ-લિમિટ તેમ જ સિગ્નલ જોવા માટે, પાટા પરથી ટ્રેન ઊતરી જવી જેવી બાબતો પર સીસીટીવી કૅમેરા દ્વારા નજર રાખી શકાશે. આ કૅમેરા દિવસ-રાત કાર્યરત રહેશે. એમાં ઑડિયો ફીચર્સ પણ હશે. કૅમેરામાં રેકૉર્ડિંગની કૅપેસેટી ૯૦ દિવસ સુધીની હશે અને ઇમેજ રેઝોલ્યુશન ૦.૪ મેગા પિક્સેલ અંદર અને બે મેગા પિક્સેલ બહાર હશે. જે-તે પ્લેસને જોવા માટે ઝૂમની પણ સુવિધા હશે.

