હજી તો ટેન્ડર પણ બહાર પાડવામાં નથી આવ્યાં : સુધરાઈના કમિશનરે અગાઉ હાઈ કોર્ટને ખાતરી આપી હતી કે અઢી વર્ષમાં તમામ રોડને કૉન્ક્રીટના કરવામાં આવશે
ફાઇલ તસવીર
સુધરાઈએ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે અઢી વર્ષમાં તમામ રોડને કૉન્ક્રીટના કરવામાં આવશે. જોકે હાલમાં જે ઝડપે કામ ચાલી રહ્યું છે એ જોતાં એ અશક્ય છે. શહેરમાં રોડ નેટવર્ક કુલ ૨૦૫૦ કિલોમીટરનું છે. એમાંથી કૉન્ક્રીટના રોડ ૯૯૦ કિલોમીટરના છે. સુધરાઈએ જાન્યુઆરી ૨૦૨૨માં ૨૧૦ કિલોમીટરના રોડને કૉન્ક્રીટના કરવાના કામકાજની શરૂઆત કરી હતી તેમ જ ફેબ્રુઆરી અને માર્ચમાં ૩૯૭ કિલોમીટરના રોડને કૉન્ક્રીટના કરવાના ૬,૦૮૦ કરોડ રૂપિયાના કામના કૉન્ટ્રૅક્ટ આપ્યા હતા. સુધરાઈએ એવો દાવો કર્યો હતો કે મે મહિનામાં (અંદાજે ૪૫૦ કિલોમીટર) અન્ય રોડને કૉન્ક્રીટના કરવા માટેનાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. જોકે એવું થયું નથી. સુધરાઈના એડિશનલ કમિશનર પી. વેલારાસુએ મીડિયાને કહ્યું હતું કે ‘હાલના કામને પૂરું થતાં બે વર્ષનો સમય લાગશે. અન્ય ટેન્ડર બહાર પાડવાની કામીગીરી ચાલુ છે, પણ એમાં વિલંબ થશે. સુધરાઈ પ્રી-કન્સ્ટ્રક્ટેડ રોડ ટેક્નૉલૉજી અપનાવવાનું વિચારી રહી છે, કારણ કે એમ કરવાથી રોડ બનાવવાના કામની ઝડપ વધશે.’
સુધરાઈના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ફેબ્રુઆરી મહિનામાં ૯૧૦ રોડને (૩૯૭ કિલોમીટર) કૉન્ક્રીટના બનાવવાનું કામ આપવામાં આવ્યું હતું. માત્ર ૩૮ (ચાર ટકા કરતાં ઓછા) રોડનું કામ ચોમાસા પહેલાં પૂરું કરવામાં આવ્યું છે. જોકે સુધરાઈએ આ રોડનું લોકેશન જણાવ્યું નથી. સુધરાઈએ કરેલા દાવા મુજબ ૨૦૨૨-’૨૩માં ૧૬૬ કિલોમીટરના રોડને કૉન્ક્રીટના બનાવવામાં આવ્યા હતા. ૨૦૨૧-’૨૨માં ૧૬૩ કિલોમીટર રોડ સિમેન્ટ-કૉન્ક્રીટના અને ૩૩ કિલોમીટર રોડ ડામરના બનાવવામાં આવ્યા હતા. ૨૦૨૦-’૨૧માં આ આંકડો અનુક્રમે ૬૬ કિલોમીટર અને ૫૭ કિલોમીટરનો હતો.’
ADVERTISEMENT
સુધરાઈ પાસે પૈસાનો અભાવ નથી, પરંતુ રોડના નિર્માણના કામની ઝડપમાં ઘણાં બધાં પરિબળો જવાબદાર હોય છે. એમાં અન્ય સુવિધાઓનું શિફ્ટિંગ અને રોડને બંધ કરવા માટેની મંજૂરીનો સમાવેશ થાય છે.
સુધરાઈની રોડનિર્માણની ઝડપ
વર્ષ વિસ્તાર
૨૦૨૨-’૨૩ ૧૬૬ કિલોમીટર
૨૦૨૧-’૨૨ ૧૬૩ કિલોમીટર
૨૦૨૦-’૨૧ ૧૨૩ કિલોમીટર