મુંબઈ: ડુંગળી ડરાવે છે
કાંદા
મુંબઈગરાઓ શાકભાજીના ભાવમાં ૧૦થી ૧૫ ટકા હોલસેલ માર્કેટમાં વધારાનો સામનો કરી રહ્યા છે ત્યારે કાંદા-બટાટાના ભાવ પણ ખૂબ વધી ગયા હોવાથી લૉકડાઉનમાં લોકોની ખરી પરીક્ષા થઈ રહી છે. વરસાદ અને બદલાતા ખરાબ વાતાવરણની સીધી અસર શાકભાજી સાથે કાંદા-બટાટાના પાક પર પણ જોવા મળી રહી છે. માલ ખરાબ થતાં માલની શૉર્ટેજ ઊભી થઈ હોવાથી હોલસેલ માર્કેટમાં કાંદા-બટાટાના ભાવ ડબલ થઈ ગયા છે અને આગામી દિવસોમાં પણ અંદાજે ૧૫થી ૨૦ ટકા જેટલો ભાવવધારો ધીરે-ધીરે થવાની શક્યતા છે. કાંદા-બટાટા માર્કેટ ડિસેમ્બર સુધી આવી જ રહેશે. જોકે એ પછી પણ નવો માલ કેવો હશે અને કેટલો હશે એના પર પણ ભાવ નિર્ભર કરે છે.
ઉલ્લેખનીય છે કે એ-વન ક્વૉલિટીનો માલ પ્રતિબંધ મુકાતાં પહેલાં જ એક્સપોર્ટ થઈ ગયો છે. અહીં નવો માલ આવવાનો હતો, પરંતુ વરસાદ અને વાતાવરણે સાથ આપ્યો ન હોવાથી ભાવે એકદમ ઉછાળો માર્યો છે. ભાવમાં ઉછાળાને કારણે સરકારે કાંદાની એક્સપોર્ટ પર અંકુશ મૂક્યો છે તેમ જ ૩૦થી ૫૦ હજાર ટનની આસપાસ માલ સ્ટૉકમાં હોવાનું પણ કહેવાયું છે. જોકે દેશમાં ડુંગળીની ડિમાન્ડ સામે એટલા ટન માલથી ખાસ કોઈ અસર થશે નહીં એવું માર્કેટના વેપારીઓ કહે છે.
ADVERTISEMENT
કાંદા-બટાટા સંઘના પ્રેસિડન્ટ રાજેન્દ્ર શેળકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાશિક અને પુણે વગેરે જગ્યાથી માલ આવે છે ત્યાં વરસાદ, આંધી-તોફાન અને બદલાતા વાતાવરણને કારણે ઘણો માલ ખરાબ થઈ ગયો છે. ગોડાઉનમાં પડેલો માલ પણ આવા વાતાવરણને કારણે મોટા પ્રમાણમાં ખરાબ થઈ ગયો છે. મોટા ભાગની હોટેલો અને લારીઓ બંધ હોવાથી લોકોને એટલી કિંમતમાં માલ મળી રહે છે. જો આ ક્ષેત્રે પણ એટલી જ માગણી હોત તો લોકોને સપ્લાય કરવી મુશ્કેલ થઈ ગઈ હોત.’
કાંદા-બટાટા સંઘના સેક્રેટરી રાજીવ મણિયારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સરકારે એ-વન કાંદાનો માલ પહેલાં એક્સપોર્ટ કરી દીધો હતો અને હવે જે નવો સારો માલ માર્કેટમાં આવવાનો હતો એ વરસાદ અને બદલાતા ખરાબ વાતાવરણને કારણે ખરાબ થઈ ગયો છે. લૉકડાઉનમાં લોકો શાકભાજી કરતાં વધુ કાંદા-બટાટા ઘરમાં સ્ટોર કરતા હતા એથી માગણી પણ વધી ગઈ અને માલ એક્સપોર્ટ પણ થઈ ગયો હતો. માલની અછત સર્જાતાં માલ ઓછો આવવા લાગ્યો છે અને પરિણામે માલ ન હોવાથી ભાવમાં વધારો થઈ રહ્યો છે. લૉકડાઉનમાં લેબર ઓછા હોવાથી માલ લઈ શકાયો નહોતો. સપ્ટેમ્બર, ઑક્ટોબર અને નવેમ્બરમાં સાઉથથી આવનારા બટાટાનો માલ ૫૦ ટકા ખેતરમાં જ ખરાબ થઈ ગયો હતો. હવે ડિસેમ્બરમાં પંજાબથી નવો માલ આવશે, પરંતુ એ માલ પણ કેવો હશે એનો અંદાજ નથી, કારણ કે વાતાવરણની પણ અસર થઈ રહી છે. આવાં અનેક કારણસર કાંદા-બટાટાના ભાવ આગામી દિવસોમાં થોડા-થોડા વધતા જ રહેશે.’
માલની શૉર્ટેજ ઊભી થઈ હોવાથી એને પહોંચી વળવા નવો માલ આવી શક્યો નથી, એથી જ્યાં સુધી નવો માલ નહીં આવે ત્યાં સુધી હેરાન થવું પડશે. ડિસેમ્બર સુધી કાંદા-બટાટાના ભાવ વધ્યા જ કરશે.
- રાજેન્દ્ર શેળકે, કાંદા-બટાટા સંઘના પ્રેસિડન્ટ