મુંબઈ : ફેરિયાઓને મંજૂરી નહીં : સરકાર કોર્ટ સમક્ષ કરી સ્પષ્ટતા
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારે મંગળવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં કોવિડ-19ની વકરી રહેલી સ્થિતિ જોતાં તે ફેરિયાઓને તેમનો વ્યવસાય શરૂ કરવા દેવાની પરવાનગી આપવાની તરફેણમાં નથી.
એડ્વોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ જસ્ટિસ એ. એ. સૈયદ અને એમ. એસ. કર્ણિકની ડિવિઝન બેન્ચને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પાસે ફેરિયાઓ માટેની કોઈ નીતિ નથી અને હાલના તબક્કે તે કોઈ નીતિ પણ વિચારી રહી નથી. શેરી ફેરિયાઓ અત્યાર સુધી એક અનિયંત્રિત ક્ષેત્ર છે અને તેમને કોવિડ-19ના રોગચાળામાં તેમનો વ્યવસાય શરૂ કરવાની પરવાનગી આપવાથી સમાજમાં આ બીમારી વ્યાપક સ્તરે ફેલાશે, તેમ કુંભકોણીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
એડ્વોકેટ જનરલે કોરોના વાઇરસને પગલે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને કારણે રોજગારી વિના જીવન વિતાવી રહેલા શેરી ફેરિયાઓ અંગે ચિંતા વ્યક્ત કરતી મનોજ ઓસ્વાલ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી સંદર્ભે પ્રતિક્રિયા આપી હતી. બેન્ચે મંગળવારે સરકારને એફિડેવિટ દાખલ કરવાનો હુકમ કર્યો હતો અને આ મામલાની આગામી સુનાવણી બે સપ્તાહ પછી નિયત કરી હતી.

