લુહાર ચાલના દિલીપ શાહને ૨૦૧૪માં જે વોટર કાર્ડ મળ્યું એમાં તેમનાં ભાભીનો ફોટો હતો એટલે એમાં ફેરફાર કરવા ઍપ્લિકેશન કરી. જોકે થોડા દિવસ પહેલાં તેમને મળેલા લેટેસ્ટ વોટર કાર્ડ પર હજી ભાભીનો જ ફોટો હોવાથી હવે ફરી એક વાર ફેરફાર કરાવવા સામનો કરવો પડશે
Water Card
લુહાર ચાલના દિલીપ શાહને ૨૦૧૪માં જે વોટર કાર્ડ મળ્યું એમાં તેમનાં ભાભીનો ફોટો હતો એટલે એમાં ફેરફાર કરવા ઍપ્લિકેશન કરી
મુંબઈ : વોટર કાર્ડ પર પોતાનું નામ અને ડીટેલ, પણ ફોટો ભાભીનો હોવાથી પરેશાન થતાં મૂળ લુહાર ચાલના દિલીપ શાહે બેથી ત્રણ વખતે એમાં ફેરફાર કરવા ઇલેક્શન કમિશનને ઍપ્લિકેશન કરી હતી, પણ ૨૦થી ૨૫ દિવસ પહેલાં ઇલેક્શન કમિશને તેમને મોકલેલા લેટેસ્ટ વોટર કાર્ડ પર હજી તેમનાં ભાભીનો જ ફોટો આવવાથી તેઓ પરેશાન થઈ ગયા છે. હવે ફરી એક વાર તેમણે અરજી કરવી પડશે અને ધક્કા ખાઈને હાડમારી ભોગવવી પડશે. ઇલેક્શન કમિશનના આ છબરડાએ તેમને પરેશાન કરી દીધા છે.
હીરાબજારમાં દલાલી કરતા દિલીપ શાહે આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને જે પહેલું વોટર કાર્ડ આવ્યું હતું એ બરોબર હતું અને એના પર મારો જ ફોટો અને ડીટેલ હતાં. જોકે એ પછી ૨૦૧૪ના લોકસભાના ઇલેક્શન વખતે મને જે સ્લિપ મળી એમાં ડીટેલ મારી હતી, પણ ફોટો મારાં ભાભીનો લગાડવામાં આવ્યો હતો. એ વખતે હું મત આપવા ગયો ત્યારે મને પહેલાં રોકવામાં આવ્યો, પણ એ પછી મેં ત્યાંના ઇલેક્શન ઑફિસરને એ વિશે રજૂઆત કરીને આખી વિગત સમજાવી અને આધાર કાર્ડ સહિતના ડૉક્યુમેટ્સ બતાવ્યા ત્યારે તેમણે પણ કેટલીક બાબતો વેરિફાય કર્યા બાદ જ મને મત આપવા દીધો હતો. એ પછી મેં બેથી ત્રણ વાર ઍપ્લિકેશન કરી છે. અમારું સરનામું અને રૅશન કાર્ડ લુહાર ચાલનાં હોવાથી મેટ્રો સિનેમાની સામે સેન્ટ ઝેવિયર્સની બાજુમાં આવેલી એલ્ફિન્સ્ટન સ્કૂલમાં ૨૦૨૧માં ત્રણ-ચાર ધક્કા ખાઈ, વિગતો લઈને એ સુધારવા માટે ફૉર્મ ભર્યું હતું. જોકે એમ છતાં ૨૦થી ૨૫ દિવસ પહેલાં મને ઇલેક્શન કમિશન તરફથી જે વોટર કાર્ડ મોકલવામાં આવ્યું એના પર પણ ભાભીનો જ ફોટો છે. તો એ લોકોએ સુધારો શું કર્યો? જે બાબત સુધારવાની હતી એ સુધારી જ નહીં અને નવું કાર્ડ મોકલી આપ્યું એનો અર્થ શું? ફરી એક વખત મારે ઝીરોથી શરૂઆત કરીને ઍપ્લિકેશન કરવી પડશે.’
ADVERTISEMENT
દિલીપ શાહને પહેલું વોટર્સ કાર્ડ બરાબર ઇશ્યુ થયું હતું. જોકે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે તેમને જે સ્લિપ આપવામાં આવી હતી એમાં તેમની જગ્યાએ ફોટો તેમનાં ભાભીનો હતો. ત્યાર બાદ તેમણે ફોટો બદલાવવા માટે બે-ત્રણ વાર ચૂંટણી પંચને અરજી કરી હતી. નવાઈની વાત એ છે કે વીસેક દિવસ પહેલાં ઇશ્યુ થયેલા નવા કાર્ડમાં પણ તેમની જગ્યાએ ફોટો તો ભાભીનો જ છે.