નાથદ્વારા હવે કોરોનાના નેગેટિવ રિપોર્ટ વગર નહીં જઈ શકાય
શ્રીનાથજી
જો ફાગણના ફાગના ઉલ્લાસભર્યા વાતાવરણમાં શ્રીજીબાવાના સાંનિધ્યમાં રસિયા ગાવા જવાનું વિચારતા હો તો રાજસ્થાન સરકારે અને એના આધારે નાથદ્વારા ટેમ્પલ બોર્ડે બહાર પાડેલી સૂચના ખાસ જોઈ લેજો, કારણ કે મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત છ રાજ્યોમાંથી નાથદ્વારા જનારા યાત્રાળુઓએ હવેથી કોરોનાના નેગેટિવ રિપોર્ટ સાથે જ ત્યાં જવું પડશે અને એ પણ ૭૨ કલાક પહેલાંનો રિપોર્ટ જ ચાલશે. જે લોકો એવું નહીં કરે તેમને ધર્મશાળા કે હોટેલોમાં એન્ટ્રી આપવામાં નહીં આવે.
જે છ રાજ્યોની વાત કરી છે એમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ અને કેરલાનો સમાવેશ છે. એનું કારણ એ છે કે આ રાજ્યોમાં વધી રહેલા કોરોનાના કેસની સંખ્યાને લીધે સાવચેતીનાં પગલાંરૂપે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. નાથદ્વારા ટેમ્પલ બોર્ડે આ બાબતનો સર્ક્યુલર તેમના આધીન જેટલી ધર્મશાળાઓ કે ગેસ્ટહાઉસો છે એમને આપી દીધો છે અને દરેકને કોરોનાનો રિપોર્ટ જોયા બાદ જ યાત્રાળુઓને રૂમ આપવાનું કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
રાજસ્થાન સરકારે ૬ માર્ચથી રાજ્યની હદ પરની બધી ચોકીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે નેગેટિવ રિપોર્ટ જોઈને જ પ્રવાસીઓને રાજ્યમાં પ્રવેશ આપવો. એથી નાથદ્વારાની હોટેલો, લૉજ અને ધર્મશાળાઓ બધાએ જ આ નિયમ ફૉલો કરવાનો છે.
પદાધિકારીનું શું કહેવું છે?
પુરુષોત્તમ પાલીવાલ નાથદ્વારા ટેમ્પલ બોર્ડ
ટેમ્પલ ટ્રસ્ટ અંતર્ગત આવતી અલગ-અલગ ધર્મશાળાઓમાં ૫૦૦ જેટલી રૂમ છે. એ દરેકમાં કોરોનાનો રિપોર્ટ ચેક કર્યા બાદ જ રૂમની ફાળવણી કરાઈ રહી છે. શુક્રવાર સાંજથી જ એના પર અમલ ચાલુ કરી દેવાયો છે એટલે યાત્રાળુઓએ કાળજી રાખવી. જોકે આ રિપોર્ટ બતાવ્યા બાદ દર્શન માટે કોઈ રિસ્ટ્રિક્શન નથી.

