હવાની ગુણવત્તાને મૉનિટર કરવા સુધરાઈ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે ચાર મોબાઇલ ઍર ક્વૉલિટી મૉનિટરિંગ વૅન ખરીદવાની તૈયારીમાં
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં હવાની ગુણવત્તાને વધુ સારી રીતે મૉનિટર કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને વધુ ચાર મોબાઇલ ઍર ક્વૉલિટી મૉનિટરિંગ વૅન ખરીદવામાં આવશે. હાલમાં મહાનગરપાલિકા પાસે આવી એક જ મોબાઇલ-વૅન છે. આ ચાર વધારાની વૅનને પ્રદૂષણના હૉટ-સ્પૉટ્સ પર તહેનાત કરવામાં આવશે. આનાથી સુધરાઈને જરૂર હોય તો ઉપાય યોજના કરવાની ખબર પડશે અને મુંબઈકરોને ચોખ્ખી હવા મળી શકશે જે તેમના આરોગ્ય માટે ફાયદાકારક નીવડશે.
મુંબઈ મહાનગરપાલિકાના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આ વૅન માટે ટૂંક સમયમાં ટેન્ડરો બહાર પાડવામાં આવશે. અમને જ્યારે પણ લોકો તરફથી કોઈ વિસ્તારમાં પ્રદૂષણ સંબંધિત ફરિયાદો મળશે ત્યારે અમે આ વૅનોને એ સ્થળો પર તહેનાત કરીશું જેમ કે કોઈ ચોક્કસ વિસ્તારમાં અથવા તો મહાનગરપાલિકાના ડમ્પિંગ યાર્ડ પાસે વાહનોનું પ્રદૂષણ હોઈ શકે છે. એવી જ રીતે સ્મૉલ સ્કેલ અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝ પાસે કે કોઈ પ્લાન્ટ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇટ પર પ્રદૂષણોની ફરિયાદો હોઈ શકે છે. આ વૅનની મદદથી અમે પ્રદૂષણને માપી શકીશું.’