મેટ્રોના માગાથાણે સ્ટેશન પર બોરીવલી સાઇડની એન્ટ્રી-એક્ઝિટ બંધ
તસવીર : અનુરાગ અહિરે
પહેલા જ વરસાદ બાદ મેટ્રોના માગાથાણે સ્ટેશનની બોરીવલી સાઇડની એન્ટ્રી-એક્ઝિટ પાસેનો રસ્તો અને ફુટપાથ ધસી પડ્યા બાદ મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (એમએમએમઓસીએલ)એ હવે કોઈ દુર્ઘટના ન બને એ માટે સાવચેતી દાખવીને એ બાજુની એન્ટ્રી-એક્ઝિટ બંધ કરી દીધી છે અને બીએમસીએ ત્યાં સમારકામ હાથ ધર્યું છે. એથી હાલ મેટ્રોના પ્રવાસીઓએ વચ્ચેની લિફ્ટ અને એસ્કેલેટર અને પોઇસર સ્ટેશન સાઉથ સાઇડની એન્ટ્રી -એક્ઝિટનો વપરાશ કરવો પડી રહ્યો છે.
એમએમએમઓસીએલનાં પ્રવક્તા સ્વાતિ લોખંડેએ આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માગાથાણે સ્ટેશનની નૉર્થ સાઇડની એન્ટ્રી–એક્ઝિટ પૉઇન્ટ પાસે જ રસ્તો ધસી પડ્યો છે. એથી બીએમસીએ ત્યાં કામ ચાલુ કર્યું છે. એ રસ્તાને અડીને આવેલી ફુટપાથ પણ કાચી પડી ગઈ છે. એથી જો ધસારાના સમયે કે અન્ય સમયે પણ લોકો ત્યાંથી અવરજવર કરે તો અકસ્માત થવાની શક્યતા છે. એથી અમે હાલ એ એન્ટ્રી-એક્ઝિટ બંધ કરી દીધી છે. સ્ટેશન ઉપરથી નીચે તરફ જવાના એ દાદરા પરનો જાળીવાળો દરવાજો બંધ કરી દીધો છે. જોકે સાઉથ સાઇડની એન્ટ્રી-એક્ઝિટ ચાલુ જ છે. એ ઉપરાંત વચ્ચેનાં એસ્કેલેટર અને લિફ્ટ પણ ચાલુ છે. એથી પ્રવાસીઓ એનો ઉપયોગ કરી શકે છે.’
ADVERTISEMENT
એ રસ્તો ધસી પડ્યા બાદ બીએમસી દ્વારા એને પ્રૉપર બનાવીને સમથળ કરવાનું કામ વરસાદમાં કેટલું લાંબું ચાલશે કે પછી કેટલો સમય લેશે એ જોવું રહ્યું. ત્યાં બાજુમાં જ એક પ્રાઇવેટ પાર્ટીનું કન્સ્ટ્રક્શનનું કામ પણ ચાલી રહ્યું છે અને એ વિસ્તાર પણ દબાઈ રહ્યો હોવાથી બીએમસીએ એને પણ સ્ટૉપ-વર્કની નોટિસ મોકલાવી છે.
મૂળમાં વસ્તુસ્થિતિ એ છે કે મેટ્રોનાં જે પણ સ્ટેશનો છે એમાં નૉર્થ-સાઉથ જ એન્ટ્રી-એક્ઝિટ છે. બીજું, ટ્રેનની લંબાઈ પછી નીચેના લેવલ પર સ્ટેશનની બન્ને તરફ એક્સ્ટેન્શન છે અને ત્યાર બાદ છેલ્લે એન્ટ્રી–એક્ઝિટ આવતી હોય છે. એથી જો કોઈ પહેલા કે છેલ્લા કમ્પાર્ટમેન્ટમાં હોય તો તેણે આખું પ્લૅટફૉર્મ અને એક્સ્ટેન્ડેડ પોર્શન વટાવવો પડે છે. એક હાથમાં બૅગ, બીજામાં છત્રી અને એમાં વરસાદમાં ભીંજાયેલી હાલતમાં આટલું ચાલવું મહિલાઓ સહિત અન્ય લોકોને પણ અકળવાનારું બની રહે એમ છે.