હવે વરસાદ તો ગયો, પણ પાણી જતું નથી એનું શું? : વસઈ-વિરારના અનેક રસ્તા પર સતત ત્રીજા દિવસે પણ પાણી ભરાયેલાં જોવા મળ્યાં
Mumbai Rains
વરસાદ જતો રહ્યો હોવા છતાં કાલે અનેક રસ્તા પરનાં પાણી દૂર થયાં નહોતાં
વસઈ-વિરારમાં રવિવારથી ભારે વરસાદ પડી રહ્યો હોવાથી જનજીવન ખોરવાઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે, અનેક અસુવિધાઓને કારણે લોકો હેરાન થઈ ગયા હતા તેમ જ વહીવટી તંત્રની તૈયારીઓ બિનઅસરકારક સાબિત થઈ હોવાથી નાગરિકોને ફરી ૨૦૧૮ના પૂર જેવી સ્થિતિનો અનુભવ થયો હતો. અનેક દુકાનોમાં અને ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ખૂબ હેરાન થઈ ગયા હતા. જોકે ગઈ કાલે વરસાદ રિમઝિમ હતો એમ છતાં અનેક રસ્તાઓ અને સોસાયટીમાંથી પાણી ઊતર્યાં નહોતાં.
વસઈ-વેસ્ટમાં દીવાનમાનમાં આવેલા અશ્વિનનગરમાં રહેતા અશોક તલોજિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વરસાદમાં પાણી તો ભરાઈ જાય છે, પરંતુ વરસાદ જતો રહે છે છતાં પાણી ઊતરતું નથી. છેલ્લા બે દિવસથી તો વરસાદ સતત પડી રહ્યો હતો, પરંતુ ગઈ કાલે સુધ્ધાં પાણી રસ્તા પર એમ ને એમ જોવા મળી રહ્યાં હતાં. આ પાણી આગામી બેથી ત્રણ દિવસ ચોક્કસ જોવા મળશે.’
ADVERTISEMENT
નાલાસોપારા-ઈસ્ટના રહેવાસી બિપિન પારપાણીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘નાલાસોપારાનાં આચોલે, તુલિંજ, સ્ટેશન રોડ પર જરા પણ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે. આ મુખ્ય રસ્તા હોવાથી અહીંથી પસાર થવું જોખમી બની જાય છે. વરસાદમાં તો હેરાનગતિ થતી જ હોય છે, પરંતુ વરસાદ જતો રહે એ પછી પણ રસ્તા પરનાં પાણી પૂર્ણ રીતે ઓસરતાં નથી. પાણી થોડા પ્રમાણમાં તો રહે જ છે. વસઈ-ઈસ્ટમાં પણ અમુક જગ્યાએ આવી હાલત છે. આ બધામાં રાહદારીઓ સાથે બાઇકર્સને પણ ખૂબ મુશ્કેલી પડે છે. પ્રશાસન નાળાસફાઈનો દાવો કરે છે, પરંતુ આ દાવો ૫૦ ટકા માંડ સાચો સાબિત થતો હોય તો.’
વસઈ-વેસ્ટમાં અશ્વિનનગરમાં વર્ષોથી સિરૅમિકની દુકાન ધરાવતા જયેશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં થોડો વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે અને વધારે વરસાદ પડે તો પાણી દુકાનની અંદર ઘૂસી જાય છે. દુકાનમાં પાણી ઘૂસતાં રોકી શકાય એમ ન હોવાથી બાલદી ભરી-ભરીને પાણી બહાર ફેંકવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.’
બાળકોને સંબંધીના ઘરે મોકલી દીધાં એમ કહેતાં વસઈ-વેસ્ટના દીવાનમાનમાં રહેતાં રેખા પરમારે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમારો વિસ્તાર લો-લાઇન હોવાથી હંમેશાં અહીં પાણી ભરાઈ જાય છે, પરંતુ વરસાદની શરૂઆતમાં જ આવી હાલત થશે એવું વિચાર્યું નહોતું. એથી ઘરનો સામાન સુરક્ષિત જગ્યાએ મૂક્યો નહોતો, પરંતુ વરસાદનું પ્રમાણ વધતાં પાણી ઘરમાં ઘૂસતાં હોવાથી આખી રાત બેસી રહેવું પડ્યું હતું. બાળકોને સંબંધીના ઘરે મોકલાી દીધાં હતાં. ઘરમાંથી પાણી તો દૂર થયાં, પરંતુ અમારા રસ્તા પરનાં પાણી તો વરસાદ નહોતો તો પણ દૂર થયાં નહોતાં.’
"આ વર્ષે નાળાની સફાઈ સારી રીતે થઈ છે એટલે આટલો બધો વરસાદ પડ્યો હોવા છતાં પાણી ઓછા પ્રમાણમાં ભરાયું છે. જે રસ્તા પર પાણી ભરાયું હશે ત્યાં પમ્પ દ્વારા દૂર કરવામાં આવશે." : રાજેન્દ્ર લાડ, વસઈ-વિરાર મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર