ચોમાસામાં મુંબઈમાં પાણી ભરાવાની સમસ્યા ફરી ઊભી ન થાય એ માટે BMCએ સેન્ટ્રલાઇઝ્ડ એજન્સીની નિયુક્તિ, નાળાંને ઢાંકવા, નાળાં પર નેટ બાંધવી જેવા ઉપાયો પર ચર્ચા કરી હતી
ફાઇલ તસવીર
મુંબઈમાં નાળાંની સફાઈ કરવામાં આવી રહી છે તો પણ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા કાયમ રહેવાની શક્યતા છે. સ્લમમાં રહેતા લોકો ગટરનું પાણી નાળાંમાં ઠાલવે છે એ રોકવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) કોઈ ઉકેલ લાવી નથી શક્યું એટલે દર વર્ષની જેમ આગામી ચોમાસામાં પણ કેટલાંક સ્થળે પાણી ભરાઈ શકે છે. ચોમાસામાં મુંબઈમાં પાણી ભરાવાની સમસ્યા ફરી ઊભી ન થાય એ માટે BMCએ સેન્ટ્રલાઇઝ્ડ એજન્સીની નિયુક્તિ, નાળાંને ઢાંકવા, નાળાં પર નેટ બાંધવી જેવા ઉપાયો પર ચર્ચા કરી હતી. ચોમાસાને હવે માત્ર ૧૫ દિવસ બાકી છે ત્યારે BMC આમાંના કોઈ ઉપાય પર અંતિમ નિર્ણય નથી લઈ શકી.
BMCએ એપ્રિલ મહિનામાં નાળાંની સફાઈ કરવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં અંદાજિત ૯૩ ટકા નાળાંની સફાઈ થઈ ચૂકી છે. જોકે ચોમાસામાં આ વખતે મુંબઈમાં પાણી નહીં ભરાય એવી ગૅરન્ટી કોઈ નહીં આપે.
ADVERTISEMENT
BMCના સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમે દર વર્ષે નાળાંની સફાઈ કરીએ છે. જોકે મૂળ સવાલ એ છે કે દર વર્ષે નાળાંની સફાઈ થતી હોવા છતાં ફરી એ ચૉકઅપ કેમ થાય છે? નાળાંની આસપાસની સ્લમમાંથી કચરો ઠાલવવામાં આવે છે. સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટની નિયમિત રીતે સ્લમમાંથી કચરો ઉપાડવાની ડ્યુટી છે. તેઓ બરાબર કામ કરશે તો અહીંના લોકો નાળાંમાં કચરો નહીં નાખે.’