Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વરસાદનું જોર તો ઘટ્યું, પણ પાણી નથી ઊતરતા

વરસાદનું જોર તો ઘટ્યું, પણ પાણી નથી ઊતરતા

Published : 22 July, 2023 01:08 PM | IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

વસઈ-વિરારમાં સતત ત્રીજા દિવસે પણ રસ્તાઓ પર પાણી ભરાયેલાં જ છે

વસઈ-વિરારના રસ્તાઓ પરથી સતત ત્રીજા દિવસે પણ પાણી ઓસર્યાં નહોતાં

Mumbai Rains

વસઈ-વિરારના રસ્તાઓ પરથી સતત ત્રીજા દિવસે પણ પાણી ઓસર્યાં નહોતાં


ગંદા પાણીને કારણે નાગરિકોની દુર્દશા : પાલિકાએ પાણી દૂર કરવા પમ્પની વ્યવસ્થા કરી, પરંતુ પાણી ક્યાં ઠાલવવું એ પ્રશ્ન : સીઝનનો ૫૦ ટકા વરસાદ એક અઠવાડિયામાં પડ્યો


વસઈ-વિરારમાં સતત વરસ્યા બાદ ગઈ કાલે સવાર બાદ વરસાદે થોડો વિરામ લીધો હતો. આમ છતાં રસ્તાઓ પરથી પાણી ઓસર્યાં નહોતાં એટલે વાહનચાલકોને વાહન ચલાવતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરેલાં જ હતાં. મહાનગરપાલિકાએ રસ્તા પરથી પમ્પ દ્વારા પાણી દૂર કરવાનું નક્કી ર્ક્યું હતું, પણ આ પાણી ક્યાં ઠાલવવું એ પ્રશ્ન ઊભો થયો છે. અમુક લોકોનાં ઘરોમાં ઘૂસેલાં પાણી પણ દૂર થયાં નહોતાં એટલે તેમની સૌથી વધુ કફોડી હાલત જોવા મળી હતી.



વસઈ-પશ્ચિમના અંબાડી રોડ પર પંચવટી નાકાથી અક્ષય હોટેલ સુધી, દીવાનમાન, વિરાર-વેસ્ટમાં બોલિંજ રોડ, ગોકુલ ટાઉનશિપ, વસઈ-પૂર્વનો એવરશાઇન રોડ વગેરે જગ્યાએ પાણીમાં ભરાયેલાં હતાં. આ વિસ્તારોમાંથી પચાસથી વધુ બિલ્ડિંગોમાં પાણીમાં છે. આ બિલ્ડિંગોના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ઘૂસી ગયાં હોવાથી અને અમુક લોકોનાં ઘરોમાં ગઈ કાલે પણ થોડું પાણી ઊતર્યું ન હોવાથી તેઓ પરેશાન થઈ ગયા હતા. સોસાયટીની બહાર પાણી ભરેલાં હોવાથી લોકો બહાર પણ જઈ શક્યા નહોતા. અહીંનો ‘સી’ કૉલોની વિસ્તાર આખો પાણીમાં હતો.  

અહીંના રહેવાસી અનિલ ગુરવે જણાવ્યું હતું કે ‘અમે ઘરની બહાર પણ નીકળી શકતા નથી. ગુરુવારે સવારે ૧૦ વાગ્યાથી વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો અને શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધી પૂર્વવત્ થયો નહોતો. વીજળીના અભાવે બિલ્ડિંગની ટાંકીમાં પાણી નાખી શકાયું નહોતું. વીજળી અને પાણીના અભાવે લોકો પરેશાની ભોગવી રહ્યા હતા. આ વિસ્તારમાં પાણી ભરાવાને કારણે બહાર નીકળવું પણ શક્ય નહોતું. વસઈ-પશ્ચિમના દીવાનમાન, ડીજીનગર, ચુણળે ગામ વગેરેમાં પણ આવી જ સ્થિતિ હતી. પાણી ભરાવાને કારણે રિક્ષાઓ બંધ હતી. જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા પણ લોકો માટે બહાર જવું મુશ્કેલ હતું.’

 
૪૪ સ્થળોએ હજી પાણી
નાલાસોપારામાં સેન્ટ્રલ પાર્ક, વિરારમાં કાતકરીપાડા, નાલાસોપારા-પૂર્વમાં તુલિંજ રોડ, ગાલાનગર, રેલવે સ્ટેશન પરિસર, અલકાપુરી, કૅપિટલ મૉલ, નીલેગાવ, રેલવે યાર્ડ રોડ, હનુમાનનગર, બુરહાન ચોક, ગાસ ટાંકી રોડ, નાલાસોપારા પીએસસી વૉર્ડ વિસ્તાર, વસઈમાં તુળજાભવાની રોડ, સનસિટી, હનુમાન ગલી, ગોલાની નાકા, સાતીવલી, અગ્રવાલ પરિસર, ડીજીનગર વગેરે વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ પાણી ભરાયેલાં હતાં. મહાનગરપાલિકાએ ૪૪ જગ્યાએ પાણી દૂર કરવા માટે પમ્પની વ્યવસ્થા કરી છે, પરંતુ પાણી ક્યાં ઠાલવવું તે પ્રશ્ન છે.
 
મૉન્સૂનનો ૫૦ ટકા વરસાદ અઠવાડિયામાં
વસઈ-વિરારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. ઍડિશનલ કમિશનર રમેશ મનાલેએ માહિતી આપી હતી કે ‘છેલ્લા બે દિવસમાં ૪૨૧ મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે છેલ્લા અઠવાડિયામાં ૧૬૦૦ મીમી વરસાદ પડ્યો હતો. સામાન્ય રીતે વસઈ-વિરારમાં એક વર્ષમાં ૨૫૦૦ મીમી વરસાદ પડે છે, પરંતુ આ સીઝનનો લગભગ અડધો વરસાદ છેલ્લા કેટલાક દિવસોમાં પડ્યો છે.
 
રોગચાળો ફેલાવાનો ભય
વસઈ-વેસ્ટના ડીજીનગરમાં રહેતા ગોરાંગ પરીખે કહ્યું હતું કે‘ ઘરમાં ભરાયાને લગભગ ૪૮ કલાકથી વધુનો સમય થયો હોવા છતાં હજી પાણી ઓસર્યાં નથી. ઘરવખરી અને સામાન ઘરમાં જ છે. જીવજંતુ અને ઉંદર ઘરમાં ફરતા હતા. સોસાયટીની પાણીની ટાંકીમાં વરસાદનું પાણી જતું રહ્યું છે એટલે બીમારી થવાનો ડર છે. આ વિસ્તારમાં ન્યુ દીવાનમાન, નવયુગનગર, દીનદયાળનગર વિસ્તારોમાં દર વર્ષે પાણી ભરાય છે. આ વખતે પણ લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. હવે જે લોકોનાં ઘર અને દુકાનો અહીં છે તેઓ ક્યાં જાય? મહાનગરપાલિકા નવી ગટરો બનાવે છે, પણ પાણી નીકળતું જ ન હોવાથી કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. આટલો ખર્ચો કરીને મતલબ શું? પૈસા તો ટૅક્સમાંથી જ જતા હોય  છેને.’
 
અવરજવર મુશ્કેલ બની
વસઈના વેપારીએ નિર્મલ શાહે જણાવ્યું હતું કે ‘જે લોકો વસઈ-ઈસ્ટમાં જૉબ પર જાય છે તેમને ખૂબ પરેશાનીનો સામનો ગઈ કાલે પણ કરવો પડ્યો છે. ગઈ કાલે પણ આ રોડ પર લગભગ બેથી ત્રણ ફુટ પાણી હતું. વસઈ-વેસ્ટના સનસિટીના ગાસ રોડ પર બે બાયપાસ બનાવ્યા છે, પરંતુ અહીં પણ પાણી ભરપૂર હતું અને રોડ બંધ કરી દેવાયો હતો.’ 
 
પરિવહન બસસેવા બંધ
છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે મહાનગરપાલિકાના પર્યાવરણ વિભાગની ૨૧ બસ બંધ પડી હતી. એને કારણે હવે પરિવહનની બસસેવા બંધ કરી દેવામાં આવી છે અને નાગરિકો પરેશાની ભોગવી રહ્યા છે. ભારે વરસાદને કારણે વસઈ-વિરાર શહેરમાં પાણી ભરાઈ ગયાં હોવાથી રોજિંદું જનજીવન અને ટ્રાફિક-વ્યવસ્થા ખોરવાઈ ગયાં છે. મહાનગરપાલિકાની પરિવહન સેવાની બસો પણ બંધ થવા લાગી હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે અને ગુરુવારે પરિવહન વિભાગની ૨૧ બસ બંધ પડી ગઈ હતી એટલે ગઈ કાલે બસ રોડ પર લાવવામાં આવી નહોતી. આ અંગે માહિતી આપતાં ટ્રાન્સપોર્ટ ચૅરમૅન ભરત ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘મહાનગરપાલિકાની બસનાં સેન્સર ડાઉન હોવાથી બસ પાણીમાં બંધ પડી ગઈ હતી. એટલે બસને પાણીમાં લાવવી જોખમી છે. ગુરુવારે એક ખાનગી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી અને ફાયર બ્રિગેડે ૨૧ મુસાફરોને બચાવી લીધા હતા. એથી સાવચેતીના પગલારૂપે પરિવહન સેવાની બસો બંધ કરી દેવામાં આવી છે. પરિવહન વિભાગે ખાતરી આપી છે કે પાણી ઓસર્યા બાદ આ બસસેવા ફરી શરૂ કરવામાં આવશે.’
સતત ત્રીજા દિવસે રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે રસ્તા પર હવે કચરાનું પ્રમાણ પણ દેખાય છે અને એમાંથી દુર્ગંધ પણ આવવા લાગી છે.

 

Whatsapp-channel Whatsapp-channel

22 July, 2023 01:08 PM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK