રાજ્યમાંથી પણ ૧૦ ઑક્ટોબરની આસપાસ વિદાય લઈ લેશે
ફાઇલ તસવીર
મુંબઈમાંથી નૈર્ઋત્યના ચોમાસાએ ગઈ કાલે સત્તાવાર વિદાય લીધી છે અને રાજ્યમાંથી પણ ૧૦ ઑક્ટોબરની આસપાસ વિદાય લઈ લેશે એમ મોસમ વિભાગે જણાવ્યું છે. એટલું જ નહીં, હવે પછી વાતાવરણમાં ઠંડક વધતી જશે. જોકે રાજ્યના વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારમાં ઑલરેડી એની અસર વર્તાઈ રહી છે. રાતના આઠ વાગ્યા પછી સવાર સુધીમાં પારો નીચે ઊતરી જવા માંડ્યો છે અને ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. એની સાથે જ ધુમ્મસ પણ છવાઈ રહ્યું છે.
મુંબઈમાં બપોરના ટાઇમે ઑક્ટોબર હીટનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે મોડી રાતે અથવા વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. કોંકણપટ્ટીના રત્નાગિરિ અને સિંધુદુર્ગ વિસ્તારમાં પાછોતરા વરસાદનાં છૂટાંછવાયાં હળવાં ઝાપટાંનો આખરી દોર ચાલી રહ્યો છે જેનો ટૂંક સમયમાં અંત આવશે. અરબી સમુદ્રમાં હળવા દબાણનો પટ્ટો સર્જાયો હતો, પણ એની તીવ્રતા ક્રમશ: ઘટતી ગઈ હોવાથી એની કોઈ અસર થઈ નહોતી અને મૉન્સૂન લંબાય એવાં કોઈ પરબિળો ન સર્જાતાં હવે મૉન્સૂને મુંબઈમાંથી સત્તાવાર વિદાય લીધી હોવાનું મોસમ વિભાગ દ્વારા કહેવાયું છે.