હાર્બર લાઇનની ટ્રેન-સર્વિસ અસરગ્રસ્ત થઈ : સેન્ટ્રલ અને વેસ્ટર્નની ટ્રેનો પણ મોડી દોડી
Mumbai Rains
ગઈ કાલે ટ્રેન મોડી હોવાથી સીએસએમટી પર એની પ્રતીક્ષા કરી રહેલા પ્રવાસીઓ (તસવીર : આશિષ રાજે)
વરસાદને કારણે મુંબઈની લાઇફલાઇન ગઈ કાલે ફરી એક વાર ખોરવાઈ ગઈ હતી. બે દિવસ પહેલાં સેન્ટ્રલ રેલવેમાં અંબરનાથ અને બદલાપુર સ્ટેશન વચ્ચે રેલવે-ટ્રૅક પર પાણી ભરાઈ જતાં ટ્રેન-સર્વિસ ઠપ થઈ ગઈ હતી અને પ્રવાસીઓએ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ગઈ કાલે હાર્બર લાઇનના કુર્લામાં રેલવે-ટ્રૅક પર પાણી ભરાઈ જતાં ભારે ફટકો પડ્યો હતો. સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે બન્ને મોડી દોડી રહી હતી. વરસાદને કારણે મુંબઈની લાઇફલાઇન ફરી એક વાર પ્રભાવિત થતાં પ્રવાસીઓ કંટાળ્યા હતા.
વડાલાથી માનખુર્દ વચ્ચે ટ્રેનો બપોરે ૨.૪૫ વાગ્યાથી બંધ કરી દેવામાં આવી હતી. એને કારણે કુર્લા રેલવે સ્ટેશન સહિત હાર્બર રેલવેનાં અનેક સ્ટેશનો પર ભીડ જોવા મળી હતી. લગભગ દોઢ કલાક સુધી મુસાફરો સ્ટેશન પર અટવાઈ ગયા હતા. આખરે દોઢ કલાક પછી ટ્રેનો ધીમી ગતિએ ફરી શરૂ થઈ હતી. વડાલાથી લઈને અન્ય સ્ટેશનો પર ભીડ જોવા મળી હતી. મુંબઈ, થાણે, પાલઘર, રાયગડ, સિંધુદુર્ગ, પુણે, રત્નાગિરિ સહિત ઘણાં રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈ અને ઉપનગરોમાં ચાલી રહેલા વરસાદને કારણે રેલવે-ટ્રૅક પર પાણી જમા થવા લાગ્યું હતું. કુર્લા રેલવે સ્ટેશન પર હાર્બર લાઇનની રેલવે ટ્રૅક પર પાણી ભરાઈ જવાને કારણે એક કલાકથી વધુ સમય સુધી સેવા બંધ રહી હતી. ત્યાર બાદ આ લાઇન પર ટ્રેનો ૨૫થી વધુ મિનિટ મોડી દોડી રહી હતી.
ADVERTISEMENT
સેન્ટ્રલ રેલવેના વરિષ્ઠ પ્રવક્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કુર્લા ટ્રૅક પર પાણી ભરાઈ જતાં હાર્બર લાઇન પૂર્ણપણે પ્રભાવિત થઈ હતી અને ૧૦ ટ્રેન-સર્વિસ કૅન્સલ થઈ હતી. ત્યાર બાદ ધીમી ગતિએ હાર્બર રેલવે શરૂ થઈ હતી અને ટ્રેનો અડધો કલાક મોડી હતી. સેન્ટ્રલ રેલવેની મુખ્ય લાઇન પર ટ્રેનો ૧૫ મિનિટ મોડી દોડી રહી હતી.’
વેસ્ટર્ન રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું કે ભારે વરસાદને પગલે વેસ્ટર્નની ૭૭ સર્વિસ સમય કરતાં મોડી દોડી હતી, પરંતુ કોઈ સર્વિસ કૅન્સલ કરાઈ નહોતી.