જોકે મુશળધાર વરસાદની સેન્ટ્રલ રેલવે પર સૌથી વધુ અસર : પૉઇન્ટ ફેલ્યરથી લઈને બદલાપુર-અંબરનાથમાં નહેરના વહેણથી રેલવે ટ્રૅક નીચેની કાંકરીઓ વહી જવાને કારણે રેલવે-સેવાઓ બંધ કરાઈ : પ્રવાસીઓ જીવના જોખમે રેલવે-ટ્રૅક પર ચાલવા મજબૂર થયા
Mumbai Rains
ગઈ કાલે અનેક ઉપનગરીય ટ્રેનો રદ થઈ હતી
મુંબઈ અને ઉપનગરોમાં મંગળવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો હોવાને કારણે મુંબઈની લાઇફલાઇન ગણાતી ત્રણેય લોકલ સેવા ખોરવાઈ ગઈ હતી. એમાં સેન્ટ્રલ રેલવે સૌથી વધુ પ્રભાવિત થઈ હોવાથી પ્રવાસીઓના હાલ બેહાલ થયા હતા. સેન્ટ્રલ રેલવે ડોમ્બિવલી સ્ટેશન સુધી ચાલતી હોવાથી સ્ટેશનો પર ભારે ગિરદી ઊમટી હતી. એને કારણે પીક-અવર્સમાં કામે જતા પ્રવાસીઓની ખૂબ કફોડી હાલત જોવા મળી હતી. વરસાદને કારણે સેન્ટ્રલ રેલવેને સૌથી વધુ ફટકો પડ્યો હતો. અંબરનાથ અને બદલાપુર સ્ટેશનના રેલવે ટ્રૅક પર પાણી ભરાઈ ગયાં હતાં એટલે બદલાપુર અને અંબરનાથ સેશનમાં (અપ-ડાઉન) ટ્રેનસેવા સુરક્ષાના કારણસર સવારે ૧૧.૦૫ વાગ્યાથી બંધ કરાઈ હતી. ઉપનગરીય ટ્રેનો સીએસએમટી-અંબરનાથ સેક્શન અને બદલાપુર-કર્જત સેક્શનમાં દોડી રહી હતી અને અંબરનાથ-બદલાપુર સેક્શન બંધ કરાયો હતો.
થાણે જિલ્લામાં અને નવી મુંબઈમાં મુશળધાર વરસાદ પડવાને લીધે બદલાપુર, અંબરનાથ અને નવી મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. એની સાથે બદલાપુર, અંબરનાથ અને હાર્બર લાઇનમાં પાણી ભરાઈ ગયાં હતાં જેને કારણે આ રૂટ પર ટ્રેનસેવા ખોરવાઈ ગઈ હતી. મુંબઈમાં ગઈ કાલે સવારથી જ ભારે વરસાદને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. મુંબઈથી પુણે સુધીની લાંબા અંતરની ટ્રેનો રદ કરવામાં આવી હતી. કેટલાક માર્ગો ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા. કલ્યાણ સ્ટેશન પર વરસાદને કારણે સિગ્નલ સિસ્ટમ ખોરવાઈ ગઈ હોવાથી કસારા તરફની લોકલ સેવાને પણ અસર થઈ હતી. હવામાન વિભાગે કોંકણ અને આસપાસના જિલ્લાઓ માટે ઑરેન્જ અલર્ટ જાહેર કરી હતી. વરસાદને કારણે મુંબઈ, કોંકણ અને રાયગડમાં
ADVERTISEMENT
ઘણી નદીઓમાં પૂર આવ્યું છે. કલ્યાણ નજીક બદલાપુર અને અંબરનાથ વિભાગોમાં નદીના પૂરને કારણે સવારથી લોકલ સેવા ખોરવાઈ ગઈ હતી. એથી અંબરનાથથી બદલાપુર સેક્શન બંધ કરવામાં આવ્યો હતો.
ગઈ કાલે બદલાપુર પાસે ટ્રૅક પર પાણી આવી ગયાં હતાં
શું કરવું એ સમજાતું નહોતું
સેન્ટ્રલ રેલવેની પ્રવાસી સ્મિતા ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક બાજુ સેન્ટ્રલ રેલવેમાં પૉઇન્ટ ફેલ્યર તો બીજી બાજુ ટ્રૅક પર પાણી ઘૂસી જતાં ટ્રેનસેવા ખોરવાઈ ગઈ હતી. ભાયખલા રેલવે સ્ટેશન પર પણ જાહેરાત કરવામાં આવી હતી કે સેન્ટ્રલ રેલવેની લોકલ સેવા માત્ર ડોમ્બિવલી સુધી ચાલી રહી છે. સ્ટેશનની બહાર પણ રસ્તાઓ પર પાણી ભરાયાં હોવાથી શું કરવું એ સમજાતું નહોતું.’
છત્રીમાં કરન્ટ લાગતો હતો
કોપરથી ડોમ્બિવલી સ્ટેશન ચાલીને આવતા ડોમ્બિવલીના રહેવાસી રાજન ગાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સાંજે અપ-ડાઉન ટ્રેન ફક્ત ડોમ્બિવલી સુધી આવી રહી હતી. હું ભાયખલાથી ૩.૪૩ વાગ્યાની કર્જત લોકલમાં બેઠો હતો અને એને ડોમ્બિવલી લોકલ બનાવી દેવાઈ હતી. ડોમ્બિવલીના એક જ સ્લો ટ્રૅક પરથી ટ્રેનો સીએસએમટી આવતી અને ત્યાંથી જ જતી હોવાથી એક જ પ્લૅટફૉર્મ પર પ્રવાસીઓનો ધસારો જબરદસ્ત હતો. એક ટ્રેન આવે અને ત્યાંથી એ ટ્રેન રવાના થાય એ દસથી પંદર મિનિટનો સમય લેતી હતી. એને કારણે ડોમ્બિવલી સ્ટેશન તરફ આવતી ટ્રેનો લાઇનથી ઊભી રહેતી હોવાથી ટ્રેનોની પાછળ ટ્રેનો ઊભી રહી ગઈ હતી. દિવાથી ડોમ્બિવલી ટ્રેન ૪૫ મિનિટથી વધુનો સમય લગાવી રહી હતી. એથી કંટાળીને પ્રવાસીઓ ટ્રૅક પર ચાલીને આવી રહ્યા હતા. ટ્રૅક પર ચાલતી વખતે છત્રીના હૅન્ડલ પર
કરન્ટ લાગી રહ્યો હતો. એથી અનેક લોકો તો છત્રી બંધ કરીને ભીંજાતા આવી રહ્યા હતા.’
પ્રવાસીઓની સેફ્ટી માટે રૂટ બંધ કરાયો
સેન્ટ્રલ રેલવેના વરિષ્ઠ અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૧૧ વાગ્યા બાદ બપોરે વરસાદનું પ્રમાણ વધી જવાથી પાણીનો પ્રવાહ વધી ગયો હતો. એથી અંબરનાથ અને બદલાપુર રેલવે સ્ટેશન વચ્ચેના રેલવે-ટ્રૅકની નીચેની કાંકરી પણ ધોવાઈ ગઈ હતી. આ રેલવે લાઇન પર પાણીનું પ્રમાણ જોખમી બન્યું હોવાથી પ્રવાસીઓની સુરક્ષા માટે આ સ્થળનો અપ અને ડાઉન ટ્રેનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. અંબરનાથ, બદલાપુર વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધુ હોવાથી અહીંની નદીઓ અને કનૅલો સવારથી જ છલકાઈ રહી હતી. જિલ્લા વહીવટી તંત્ર તરફથી નદી કિનારે આવેલાં ગામોને અલર્ટની ચેતવણી આપવામાં આવી હતી.’
ડોમ્બિવલી અને કલ્યાણ વચ્ચે લોકલની લાઇન લાગી
સેન્ટ્રલ રેલવેલાઇન પર અંબરનાથ આગળની ટ્રેનસેવા બંધ કરી દેવામાં આવી હતી. એની અસર કલ્યાણ સુધી જોવા મળી હતી. ડોમ્બિવલી અને કલ્યાણ વચ્ચે રેલવેલાઇન પર લોકલની લાઇન લાગી ગઈ હતી. ઘણા મુસાફરો કલાકો સુધી રાહ જોયા પછી ટ્રૅક પર ચાલીને ડોમ્બિવલી અને ઠાકુર્લી રેલવે સ્ટેશને પહોંચી રહ્યા હતા. અનેક મુસાફરો રોડ દ્વારા જવાનો પ્રયાસ કરતા હતા. રસ્તા પર વરસાદનાં પાણી ભરાયાં હોવાથી વાહનવ્યવહાર પર એની અસર થઈ હતી અને લોકોએ ઘરે પહોંચવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
ટ્રેનો રદ થઈ..
ગઈ કાલે અનેક ઉપનગરીય ટ્રેનો રદ થઈ હતી. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે લગભગ ૫૦ જોડી એટલે કે ૫૦ અપ અને ૫૦ ડાઉન એમ કુલ ૧૦૦ ઉપનગરીય ટ્રેનો રદ થઈ હતી., એમ ચીફ પબ્લિક રિલેશન ઓફિસર ડૉ.શિવરાજ માનસપુરેએ મિડ-ડેને જણાવ્યું હતું.