મુંબઈમાં મેનહોલના ઢાંકણાંની ચોરીની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. આ સમસ્યાને ઉકેલવા માટે બોમ્બે હાઈકોર્ટના નિર્દેશને પગલે બીએમસી દ્વારા હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. આ હેલ્પલાઈનની મદદથી નાગરિકો ખુલ્લા મેનહોલ્સ માટેની ફરિયાદ નોંધાવી શકશે.
પ્રતીકાત્મક તસવીર (આઈસ્ટોક)
મુંબઈમાં મેનહોલના ઢાંકણાંની ચોરીની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. આ સમસ્યાને ઉકેલવા માટે બોમ્બે હાઈકોર્ટના નિર્દેશને પગલે બીએમસી દ્વારા હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આ હેલ્પલાઈનની મદદથી નાગરિકો ખુલ્લા મેનહોલ્સ માટેની ફરિયાદ નોંધાવી શકશે.
ઉલ્લેખનીય છે કે કોઈપણ પ્રકારની પરવાનગી વિના મેનહોલ ખોલનાર તેમ જ ચોરી કરેલા ઢાંકણાં ખરીદનારાઓ સામે કડક કાર્યવાહીની તાતી જરૂર વર્તાઇ રહી છે. આ બાબતે બીએમસી (Brihanmumbai Municipal Corporation) તરફથી હવે ખાતરી આપવામાં આવી છે. સિવિક બોડીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, “આ કૃત્ય કરવા પાછળ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) હેઠળ ગુનો નોંધવામાં આવશે.”
ADVERTISEMENT
આખા જ મુંબઈમાં લગભગ એક લાખ જેટલા મેનહોલ છે. ઉલ્લેખનીય છે કે આ મેનહોલની જાળવણી BMCના સિવરેજ મેનેજમેન્ટ અને સ્ટોર્મ વોટર વિભાગ દ્વારા કરવામાં આવે છે.
મેનહોલની સુરક્ષાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી માત્ર 5,000 મેનહોલમાં જ રક્ષણાત્મક ગ્રીલ ફીટ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન આ ભરાયેલા મેનહોલને કારણે ઘણા લોકો મોતને ભેટે છે. આવા ખુલ્લા મેનહોલ ઘણા લોકોના જીવ લે છે.
મળતી માહિતી મુજબ તાજેતરમાં જ સંબંધિત કેસમાં પીઆઈએલની સુનાવણી કરતી વખતે હાઇકોર્ટે કહ્યું હતું કે, “જો આ વર્ષે કોઈ મેનહોલમાં પડી જશે તો તેની જવાબદારી બીએમસીની રહેશે.”
આમ કોર્ટમાં પણ ખુલ્લા મેનહોલનો મુદ્દો સામે આવ્યો હતો. કોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને ખુલ્લા મેનહોલ અંગે નક્કર પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. જોકે આ નિર્દેશ પછી પણ બીએમસી મેનહોલના ઢાંકણની ચોરીની ગંભીર ચિંતાને ઉકેલવા માટે સંઘર્ષ કરી રહી છે.
ઘણીવાર એવું પણ બને છે કે નાગરિકો પોતે જ મેનહોલના ઢાંકણ ખોલે છે જેથી એકઠું થયેલું વરસાદી પાણી ઝડપથી નીકળી શકે. પરંતુ પછી તેને ખુલ્લા છોડી છે. જેનાથી અન્ય લોકો તેમાં પડી જતા હોય છે. હવે, નાગરિક સંસ્થાએ જાહેરાત કરી છે કે તે આવી વ્યક્તિઓ સામે IPCની સંબંધિત કલમો હેઠળ આરોપો દાખલ કરવામાં આવશે. જેમાં કલમ 304A (બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે)નો પણ સમાવેશ થાય છે.
આ સાથે જ સિવિક બોડીએ તેના તમામ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તમામ પ્રયત્નો પછી પણ જો કોઈ અણધારી દુર્ઘટના થાય તો અસરગ્રસ્ત લોકોને બીએમસી હોસ્પિટલો અથવા નજીકના દવાખાનાઓમાં તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવે તેવી સુવિધા કરવી. બીએમસીએ વધુમાં જણાવ્યું હતું કે, “બીએમસીના અધિકૃત કર્મચારી સિવાય અન્ય કોઈ વ્યક્તિ મેનહોલનું ઢાંકણ ખોલશે નહીં અથવા તેને દૂર કરશે નહીં. જો અન્ય વ્યક્તિ ખોલશે તો કલમ 304, 308, 336 અને IPCની અન્ય કલમો હેઠળ કડક પગલાં લેવામાં આવશે. વધુમાં બીએમસીએ જણાવ્યું હતું કે, ‘મેનહોલ્સની સલામતી અંગે સ્થાનિક અખબારોમાં જનજાગૃતિની સૂચનાઓ છાપવામાં આવશે. ફરિયાદો નોંધાવવા માટેની એપ્લિકેશનો પણ કાર્યરત છે.’
બીએમસી દ્વારા જારી કરાયેલ હેલ્પલાઈન નં. નીચે પ્રમાણે છે:
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ- 22694725, 22704403, 61234000
સ્ટોર્મ વોટર ડ્રેનેજ વર્કશોપ- 24309817, 24309472
પશ્ચિમી પરાઓ કંટ્રોલ રૂમ- 9833539044
પૂર્વીય પરાઓ કંટ્રોલ રૂમ- 983353905