મુંબઈ મેવા-મસાલા મર્ચન્ટ્સ અસોસિએશનના વેપારીઓએ દિવાળી નિમિત્તે છ અઠવાડિયાં સુધી મેવા-મસાલા મહાઉત્સવનું આયોજન કરીને કર્યો ૭૦થી ૮૦ કરોડ રૂપિયાનો બિઝનેસ
મહાઉત્સવને સફળ બનાવનારા મસ્જિદ બંદરના મુંબઈ મેવા-મસાલા મર્ચન્ટ્સ અસોસિએશનના પદાધિકારીઓ અને કમિટી મેમ્બરો
દેશભરના રીટેલ અને હોલસેલ વેપારીઓ આજે તહેવારોની સીઝનમાં સુપરમાર્કેટ તેમ જ ઑનલાઇન દ્વારા થઈ રહેલી વ્યાપારિક સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે. આ સંજોગોમાં મુંબઈના મસ્જિદ બંદરમાં મુંબઈ મેવા-મસાલા મર્ચન્ટ્સ અસોસિએશનના વેપારીઓને દિવાળીના તહેવારોમાં ૧૫ ઑક્ટોબરથી ૨૬ નવેમ્બર સુધી મેવા-મસાલા મહાઉત્સવનું આયોજન કરીને તેમના જૂના ઘરાકોને ફરીથી મસ્જિદ બંદર મેવા-મસાલા બજારમાં આકર્ષવામાં ૧૦૦ ટકા સફળતા મળી હતી. આ વેપારીઓ કહે છે કે અમારા મહાઉત્સવનો ઉદ્દેશ જ આ હતો કે અમે અમારા જૂના ઘરાકોને પાછા તહેવારોના સમયમાં ડ્રાયફ્રૂટ્સ ખરીદવા વર્ષો જૂની મસ્જિદ બંદરની મેવા-મસાલા બજારમાં આકર્ષી શકીએ. અમારા આ ઉદ્દેશમાં તો અમને ૧૦૦ ટકા સફળતા મળી હતી, પણ મહત્ત્વની વાત એ રહી કે અમે જૂના ઘરાકો સાથે પંદર ટકા નવા ઘરાકોને પણ મસ્જિદ બંદરમાં લાવી શક્યા છીએ. હવે અત્યારથી અમે આવતા વર્ષના દિવાળીના તહેવારોમાં નવા ઘરાકોને આકર્ષવા માટેની સ્કીમ તૈયાર કરવા માટે સજ્જ છીએ.
એકંદરે જ્યાં તહેવારોમાં ૪૦થી ૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ થતો ત્યાં આ વર્ષે મહાઉત્સવને લીધે મસ્જિદ બંદરના વેપારીઓનો વેપાર ૭૦થી ૮૦ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. આ માહિતી આપતાં મસ્જિદ બંદરના મુંબઈ મેવા-મસાલા મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રમુખ યોગેશ ગણાત્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આજે જ્યારે બીજા બધા વેપારને ઑનલાઇન અને સુપરમાર્કેટને લઈને માઠી અસર થઈ છે ત્યારે મસ્જિદ બંદરના મેવા-મસાલા વેપારીઓએ એક અનોખી પહેલ કરીને તહેવારોની આ સીઝનમાં જબ્બર બિઝનેસ કર્યો હતો.
ADVERTISEMENT
મસ્જિદ બંદર ખાતે એશિયાની સૌથી જૂની મેવા-મસાલા માર્કેટ આવેલી છે. અહીંના વેપારીઓ વર્ષોથી ઉત્તમ ક્વૉલિટીના મેવા-મસાલા વાજબી ભાવે આપવા પ્રખ્યાત છે. આ જાણકારી આપતાં યોગેશ ગણાત્રાએ કહ્યું હતું કે ‘બદલાતા સમયની સાથે વેપારીની રીત પણ બદલાતી રહે છે. આજે સ્પર્ધાત્મક બિઝનેસમાં ટકી રહેવા, નવા ગ્રાહકો મેળવા ઉપરાંત હાલના ગ્રાહકોને સંભાળી રાખવા પણ એટલા જ જરૂરી છે. એટલે જ અમે આ યોજના ૨૦૧૮ની સાલથી જ શરૂ કરી દીધી હતી. મુંબઈ મેવા-મસાલા મહાઉત્સવ નામની અનોખી યોજનામાં મસ્જિદ બંદરના ૬૦ વેપારીઓએ ભાગ લીધો હતો. એમાં અમે દિવાળીના તહેવારોમાં છ અઠવાડિયાં સુધી મહાઉત્સવનું આયોજન કરીને લકી ડ્રૉ દ્વારા અમારા ઘરાકોને આકર્ષક ઇનામો આપીએ છીએ. આ યોજનામાં વેપારીઓ દ્વારા પ્રત્યેક એક હજાર રૂપિયાની ખરીદી પર ગ્રાહકોને એક ઇનામી કૂપન આપવામાં આવી હતી. ૨૬ નવેમ્બરે ફાઇવસ્ટાર હોટેલમાં લકી ડ્રૉ દ્વારા વિજેતા ગ્રાહકોને આઇફોન ૧૫, સ્કૂટર, ગોલ્ડ કૉઇન, સ્માર્ટ ટીવી, વન, કારવાં રેડિયો ઇત્યાદિ ૧૫ લાખ રૂપિયા સુધીનાં ઇનામો આપવામાં આવ્યાં હતાં.’
આ યોજના મુંબઈ મેવા-મસાલા મર્ચન્ટ્સ અસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. આ સંદર્ભમાં યોગેશ ગણાત્રાએ કહ્યું હતું કે ‘આજે ઑનલાઇન કે સુપરમાર્કેટમાં જે ગ્રાહક જાય છે એ આમ તો લોકલ દુકાનનો જ ગ્રાહક છે. જો લોકલ દુકાનદાર પોતાના ગ્રાહકો સાથે સારો સંબંધ વિકસાવી રાખે, તેમને અવનવી યોજનાઓનો લાભ આપે તો ગ્રાહક બીજે ક્યાંય નહીં જાય. આ હેતુથી જ અમે ૨૦૧૮માં મહાઉત્સવ અને આકર્ષક ઇનામ યોજનાની શરૂઆત કરી હતી. ૨૦૧૮ અને ૨૦૧૯માં અમે સફળતાપૂર્વક આવા મહાઉત્સવનું આયોજન કર્યું હતું. એ સમયે દૂર-દૂરનાં ઉપનગરોમાંથી ગ્રાહકો મસ્જિદ બંદરમાં ખરીદી કરવા આવ્યા હતા. ત્યારે અમે ગ્રાહકોને દસ લાખ રૂપિયા સુધીનાં ઇનામો આપ્યાં હતાં. પછી કોવિડનાં ત્રણ વર્ષ આ પ્રકારનું આયોજન કરવું શક્ય નહોતું. આ વર્ષે બધું નૉર્મલ હોવાથી અમે ફરી મહાઉત્સવનું આયોજન કરીને ગ્રાહકોને ૧૫ લાખ રૂપિયા સુધીનાં ઇનામો આપ્યાં હતાં.’
અમારો આ પાછળનો મુખ્ય ઉદ્દેશ મસ્જિદ બંદરનો વેપાર ટકાવી રાખવાનો હતો એમ જણાવતાં હર્ષોલ્લાસ સાથે યોગેશ ગણાત્રાએ કહ્યું હતું કે ‘અમારા ઉદ્દેશમાં અમને ૧૦૦ ટકા સફળતા તો મળી, ઉપરાંત નવા બિઝનેસ પણ મળ્યા હતા. આ વર્ષે અહીંના વેપારીઓને કૉર્પોરેટ્સના પણ ઘણા ઑર્ડર મળ્યા હતા. એ અમારા મહાઉત્સવની સૌથી મોટી સિદ્ધિ હતી.’
ગ્રાહકો ખુશ છે અને વેપારીઓમાં ઉત્સાહ છે તથા આવી યોજના દર વર્ષે કરવા સૌનો આગ્રહ પણ છે એમ જણાવતાં યોગેશ ગણાત્રાએ કહ્યું હતું કે ‘આ વર્ષની સફળતાને જોયા પછી આવતા વર્ષે મહાઉત્સવને સ્પૉન્સર કરવા હમણાંથી જ અમુક કંપનીઓએ અમારો સંપર્ક કર્યો છે. એને પરિણામે અમે અત્યારથી આવતા વર્ષના મહાઉત્સવના આયોજન માટે સજ્જ થઈ ગયા છીએ. અમને અમારા ગ્રાહકો પર વિશ્વાસ છે કે ઑનલાઇન અને સુપરમાર્કેટ સાથેની સ્પર્ધામાં તેઓ અમને ફરીથી જિતાડશે.’