વડા પ્રધાન નરેન્દ્ર મોદી એનું ઉદ્ઘાટન કરવાના છે એટલે પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ તરફથી એ માટે ૩, ૪ અને પાંચ ઑક્ટોબરની તારીખો પણ આપી દેવાઈ છે
પ્રતીકાત્મક તસવીર
ભૂગર્ભમાં દોડનારી મુંબઈની મેટ્રો-૩ના આરેથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) સુધીના પહેલા તબક્કાનું કામ પૂરું થયું છે અને હવે એનું સુરક્ષાનું સર્ટિફિકેટ આવવાનું જ બાકી છે ત્યારે એને ઑક્ટોબરના પહેલા અઠવાડિયામાં ચાલુ કરવામાં આવે એવી શક્યતા છે. વળી વડા પ્રધાન નરેન્દ્ર મોદી એનું ઉદ્ઘાટન કરવાના છે એટલે પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ તરફથી એ માટે ૩, ૪ અને પાંચ ઑક્ટોબરની તારીખો પણ આપી દેવાઈ છે. જોકે ૪ ઑક્ટોબરે ઉદ્ઘાટન કરાય એવી શક્યતા છે.
આરે-કોલાબા મેટ્રો-૩નો ૩૨.૫ કિલોમીટર લાંબો પ્રોજેક્ટ મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRCL) હૅન્ડલ કરી રહી છે. એનો આરેથી BKC સુધીનો ૧૨.૬ કિલોમીટર લાંબો પહેલો તબક્કો દશેરા પહેલાં જ ચાલુ કરી દેવાય એવી સંભાવના છે. કમિશનર ઑૅફ મેટ્રો રેલ સેફ્ટી (ઇન્ડિયા) દ્વારા હાલ સુરક્ષાની ચકાસણી કરાઈ રહી છે. મેટ્રોની રેક, કોચ, ટ્રૅક બધાની ચકાસણી પતી ગઈ છે. હવે અન્ય સુવિધાઓ જેમ કે સ્ટેશન પર ઊભાં કરાયેલાં એલિવેટર, એસ્કેલેટર અને અન્ય બાબતોની ચકાસણી બાકી છે. એ પછી જ સેફ્ટી સર્ટિફિકેટ ઇશ્યુ થશે અને ત્યાર બાદ જ એ પબ્લિક માટે ચાલુ કરી શકાશે એમ MMRCLના મૅનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીંડેએ જણાવ્યું હતું.