પ્રવાસીઓને થોડી મજા, થોડી તકલીફ : કૅશથી ટિકિટ ખરીદવી પડે છે, ડિજિટલ પેમેન્ટની સુવિધા નથી; થોડા દિવસોમાં બધું બરાબર થવાની ધારણા
તસવીરો : નિમેશ દવે
મુંબઈગરાઓને અન્ડરગ્રાઉન્ડ મેટ્રો પ્રવાસનો અનુભવ કરાવતી મુંબઈ મેટ્રો ઍક્વા લાઇન મેટ્રો ૩ના ફેઝ-વનની શરૂઆત ગઈ કાલે થઈ હતી અને પહેલા દિવસે મુંબઈગરા આ વિસ્મયકારક પ્રવાસનો આનંદ માણતા નજરે પડ્યા હતા. પહેલા દિવસનો પ્રવાસ થોડો સુખદ રહ્યો હતો અને માત્ર કૅશથી જ ટિકિટ ખરીદવાનો વિકલ્પ, ટ્રેન સ્ટેશન પર ઊભી રહ્યા બાદ ડબ્બાના દરવાજા બરાબર ખૂલે એમાં થોડી સમસ્યા અને સ્ટેશનોમાંથી બહાર આવવા-જવામાં સાઇનેજના અભાવે થોડી મુશ્કેલી જણાઈ હતી.
મોટા ભાગનાં સ્ટેશનો ૨૫૦થી ૩૦૦ મીટર લાંબાં અને વિશાળ છે, જ્યારે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સનું સ્ટેશન ૪૦૦ મીટરનું છે અને એ વિશાળ હોવાનો અનુભવ કરાવે છે. સ્ટેશનમાં જવા અને બહાર આવવાના એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ પણ સ્ટ્રૅટેજિક સ્થળે છે જે પ્રવાસીઓ માટે સારું છે, માત્ર મોટા અક્ષરોમાં સાઇનેજ મૂકવાની જરૂર છે. ઘણાં એસ્કેલેટરો છે, સીડીઓ છે. લાંબા વૉકવે છે જે પહેલા દિવસે પ્રવાસીઓ માટે મુશ્કેલી અને મૂંઝવણ પેદા કરવામાં કારણરૂપ રહ્યા હતા.
ADVERTISEMENT
ઍક્વા લાઇનનાં સ્ટેશનોનાં નામ પણ અલગ પ્રકારે હોવાથી પ્રવાસીઓને સમજ આવતી નહોતી. સાંતાક્રુઝ મેટ્રો અને બાંદરા કૉલોની જેવાં નામ હાલનાં પરંપરાગત નામ સાથે મૅચ કરતાં નહોવાથી પ્રવાસીઓ સમજવામાં ભૂલ કરતા દેખાયા હતા. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ સ્ટેશનનું નામ ઇન્કમ ટૅક્સ જંક્શન છે. એમાં કલેક્ટર ઑફિસ અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ની ઑફિસ તરફ એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટ છે.
T1 અને સાંતાક્રુઝને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે સીધો ઍક્સેસ અપાયો છે. T1નો ગેટ સહારા સ્ટાર સામે હોટેલ ઍરક્રાફ્ટ ઇન્ટરનૅશનલ પાસે ખૂલે છે. સાંતાક્રુઝ મેટ્રોનો ગેટ કાલિના-વાકોલા ફ્લાયઓવર પર રીજન્સી હોટેલ પાસે ખૂલે છે.
મરોલ નાકા સ્ટેશનમાં ચાર એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટ છે અને વર્સોવા-ઘાટકોપર મેટ્રો લાઇન સાથે એ જોડાયેલા છે. જોકે પ્રવાસીઓને અહીં સ્ટેશનની બહાર નીકળીને થોડું ચાલ્યા બાદ મેટ્રો બદલવી પડે છે. મેટ્રો બદલવાની આંતરિક સુવિધા નથી. અહીં બ્લુ લાઇન મેટ્રો પકડી શકાય છે. પ્રવાસીઓની માગણી છે કે અહીં બન્ને સ્ટેશનોને જોડતો વૉકવે બનાવવો જોઈએ.
T2 સ્ટેશન પર મુખ્ય રોડની બન્ને તરફ ટેમ્પરરી રૅમ્પ આપવામાં આવ્યો છે, પણ ઍરપોર્ટ પહોંચવા માટે અડધો કિલોમીટર ચાલવું પડે એમ છે. અહીં ૨૧ મીટર ઊંચું એસ્કેલેટર આવેલું છે. ઍરપોર્ટ પર પ્રવાસીઓને ગાઇડ કરનારું કોઈ નહોતું.
આરે સ્ટેશન એકમાત્ર ગ્રાઉન્ડ પર આવેલું છે અને એમાં સિંગલ એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ છે. જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ (JVLR) અને સીપ્ઝ જવા માટે એનો ઉપયોગ થઈ શકશે. ટિકિટબારી, એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટ અને પ્લૅટફૉર્મ બધું એક જ ફ્લોર પર છે. પ્રવાસીઓ જણાવી રહ્યા છે કે અહીં JVLR પર જવા માટે સ્કાયવૉકની જરૂર છે.
અન્ડરગ્રાઉન્ડ મેટ્રોની સ્ટોરી જાણવી છે?
આ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો કઈ રીતે બનાવવામાં આવી એનો ચિતાર આપતું એક્ઝિબિશન BKC સ્ટેશને તૈયાર કરવામાં આવ્યું છે.