ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેશન સર્વિસ (IAS)ના ભૂતપૂર્વ કમિશનર સુધીર કુમાર શ્રીવાસ્તવના વડપણ હેઠળ સાત સભ્યોની એક પૅનલ બનાવી છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ઍર-પૉલ્યુશનની સમસ્યાનાં કારણોમાં ટ્રાફિક-જૅમ અને વાહનોનો એક્ઝૉસ્ટનો ધુમાડો મહત્ત્વનાં પરિબળ છે અને એના પર નિયંત્રણ મૂકવા જે પગલાં લેવામાં આવે છે એ પૂરતાં ન હોવાથી એ માટે વધુ અસરકારક પગલાં લેવા માટે બૉમ્બે હાઈ કોર્ટે સરકારને જણાવ્યું હતું. બૉમ્બે હાઈ કોર્ટના એ નિર્દેશને પગલે હવે મહારાષ્ટ્ર સરકાર ભવિષ્યને નજરમાં રાખી પૉલ્યુશન ઘટાડવા મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં ફક્ત ઇલેક્ટ્રિક બૅટરી ઑપરેટેડ અને વધુમાં વધુ CNG પર ચાલતાં વાહનોને જ પરવાનગી આપવાનું વિચારી રહી છે. એ માટે પેટ્રોલ અને ડીઝલથી ચાલતાં વાહનો પર પ્રતિબંધ મૂકી શકાય કે કેમ એ જાણવા ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેશન સર્વિસ (IAS)ના ભૂતપૂર્વ કમિશનર સુધીર કુમાર શ્રીવાસ્તવના વડપણ હેઠળ સાત સભ્યોની એક પૅનલ બનાવી છે અને તેમને એ બાબતે અભ્યાસ કરી ત્રણ મહિનામાં એનો અહેવાલ ભલામણો સાથે આપવા જણાવાયું છે.
આ પૅનલમાં તેમની સાથે મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ કમિશનર, મુંબઈના જૉઇન્ટ પોલીસ-કમિશનર (ટ્રાફિક), મહાનગર ગૅસ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર, મહારાષ્ટ્ર સ્ટેટ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (મહા વિતરણ)ના પ્રોજેક્ટ મૅનેજર, સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સના પ્રેસિડન્ટ અને જૉઇન્ટ કમિશનર (એન્ફોર્સમેન્ટ-૧)નો અન્ય સભ્યો તરીકે સમાવેશ થાય છે. વળી આ પૅનલ આ ક્ષેત્રના એક્સપર્ટ્સની પણ મદદ લઈ શકશે એમ રાજ્ય સરકારે એના નોટિફિકેશનમાં જણાવ્યું હતું.
ADVERTISEMENT
કેટલાં વાહનો?
મુંબઈની ચાર રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)માં અત્યાર સુધી ૪૮ લાખ વાહનો રજિસ્ટર થયાં છે અને દર વર્ષે નવાં બે લાખ વાહનોનો એમાં ઉમેરો થાય છે. રાજ્યમાં અત્યાર સુધી ૩.૮ કરોડ વાહનો રજિસ્ટર થયાં છે. જો આ જ રીતે દર વર્ષે ૮થી ૧૦ ટકાના દરે વાહનો વધતાં રહેશે તો ૨૦૩૦ સુધીમાં એ આંકડો ૬ કરોડ અને ૨૦૩૫ સુધીમાં તો ૧૫ કરોડ પર પહોંચી જવાની શક્યતા છે એમ મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ કમિશનર વિવેક ભિમનવારે કહ્યું હતું.

