અલ્ટિમેટમ પાંચ દિવસનું
મનુસખ હિરણ
થાણેમાં રહેતા મનસુખ હિરણના રહસ્યમય મોતના કેસમાં ગઈ કાલે તેની પત્ની વિમલાની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો કેસ નોંધ્યા બાદ આ કેસ જેમને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે એ ઍન્ટિ ટૅરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ)ના અધિકારીઓએ ગઈ કાલે સવારે મનસુખના ઘરની વિઝિટ કરી હતી. જોકે એ પહેલાં તેમણે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તેમ જ મુમ્બ્રા અને વિક્રોલી પોલીસ-સ્ટેશનમાંથી આ કેસને લગતા ડૉક્યુમેન્ટ્સ હસ્તગત કર્યા હતા. ગઈ કાલની એટીએસની વિઝિટ બાબતે મનસુખ હિરણના ભાઈ વિનોદ હિરણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમણે અમારી સાથે મનસુખના શેડ્યુલ અને છેલ્લા દિવસોમાં તે કોને મળ્યો હતો તેમ જ ક્યાં ગયો હતો એના વિશે વાત કરી હતી. ત્યાર બાદ તેમણે અમારી પાસે આ કેસ સૉલ્વ કરવા માટે ચાર-પાંચ દિવસનો ટાઇમ માગ્યો હતો. તેમનું કહેવું છે કે આ સમયગાળામાં અમે આ કેસના આરોપીઓ સુધી પહોંચી જઈશું. તેમની આ હૈયાધારણને લીધે અત્યારે અમે એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી) પાસે તપાસ કરાવવાનું હોલ્ડ પર રાખ્યું છે. જો પાંચ દિવસમાં કોઈ નિષ્કર્ષ નહીં આવે તો અમે આગળ શું કરવું એ નક્કી કરીશું.’
દરમ્યાન ગઈ કાલથી મનસુખ હિરણને ત્યાં કોણ આવ-જા કરે છે એનો રેકૉર્ડ પોલીસે રાખવાનું શરૂ કરી દીધું છે. એ સિવાય એટીએસના અધિકારીઓએ ગઈ કાલે મનસુખ થાણેમાં જ્યાં રહે છે એ વિસ્તારના તમામ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવીને એનો અભ્યાસ શરૂ કર્યો છે. એ સિવાય ગઈ કાલે તેમણે મનસુખ હિરણ જે ઓલામાં ગયો હતો એના ડ્રાઇવરને તપાસ માટે બોલાવ્યો હતો.
ADVERTISEMENT
આ બધાની સાથે એટીએસે મુકેશ અંબાણીના ઘર પાસે મળેલી કાર અને એમાં રાખવામાં આવેલી જિલેટિન સ્ટિક્સને ફૉરેન્સિક ઍનૅલિસિસ માટે સાંતાક્રુઝ-ઈસ્ટમાં કાલિના લૅબોરેટરીમાં મોકલી આપી છે. એ સિવાય મનસુખ હિરણની વિસેરા (લાળ) પણ ફૉરેન્સિક ટેસ્ટ માટે મોકલવામાં આવી છે.
બીજેપીને કૉલ-ડિટેલ કેવી રીતે મળી
મનસુખ હિરણના પરિવારને સત્વર ન્યાય મળે એવી માગણી કૉન્ગ્રેસે કરી છે. પોલીસનની ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડને આ કેસની તપાસ માટે સક્ષમ ગણાવતાં મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે જણાવ્યું હતું કે ‘બીજેપી જવાબદાર રાજકીય પક્ષ છે. એ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ કેસની તપાસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને સોંપવાની માગણી કરીને મહારાષ્ટ્ર પોલીસ પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ કેસના કૉલ ડિટેલ રેકૉર્ડ્સ બીજેપીને કેવી રીતે મળ્યા એ આશ્ચર્યનો વિષય છે.’
ફૉરેન્સિક એક્સપર્ટ શું કહે છે?
મનસુખ હિરણના પોસ્ટમૉર્ટમ રિપોર્ટના આધારે ફૉરેન્સિક એક્સપર્ટ ડૉ. રાજેન્દ્ર નિકમે કહ્યું કે ‘આ જે અહેવાલ છે એ પ્રોવિઝનલ અહેવાલ છે. એમાં જણાવ્યા મુજબ તેના નાક, ગાલ, દાઢી, ગળા અને છાતી પર કેટલીક ઈજાનાં નિશાન છે. જ્યારે કોઈ વ્યક્તિનું કુદરતી મૃત્યુ થાય ત્યારે આવી ઈજા જોવા નથી મળતી. કુદરતી મૃત્યુ વખતે માણસ રોગથી એટલો ગ્રસ્ત હોય છે કે તે આટલી બધી ઈજા થાય એવી હરકત નથી કરી શકતો. બીજું, જો કોઈ આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યું હોય તો પણ આવી ઈજા થવી મુશ્કેલ હોય છે, કારણ કે એ માણસે જીવનનો અંત લાવવાનો નિર્ધાર કરી જ લીધો હોય છે એથી તે પોતાને બચાવવા આ રીતની કોશિશ ન જ કરે. ત્યાર બાદ બે શક્યતા બચે છે, એક છે અકસ્માતમાં થયેલું મૃત્યુ અને બીજી હત્યા. આ બન્ને કેસમાં માણસ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ છેલ્લે સુધી કરતો હોય છે. એ વખતે પોતાને બચાવવાના પ્રયાસમાં પોતાના હાથથી ઈજા થઈ શકે અથવા સામેવાળાના નખ લાગી શકે છે એથી આ કેસમાં ભલે છેલ્લા તારણ સુધી આપણે ન પહોંચીએ, પણ અત્યારે આ હત્યા હોવાની શક્યતા વધુ લાગી રહી છે.’

