ડૉક્ટરોએ ચાકુ બહાર કાઢીને ટાંકા લીધા હતા
તેજસ પાટીલ
નવી મુંબઈના સાનપાડામાં સેક્ટર પાંચમાં રહેતા ૩૨ વર્ષના તેજસ પાટીલે જબરી હિંમત બતાવી હતી. શનિવારે રાતે તે સૂતો હતો ત્યારે અદાવતને કારણે તેના જ નાના ભાઈ મોનિશે તેના પર ચાકુથી હુમલો કર્યો હતો અને તેના ગળામાં ચાકુનો વાર કરી ચાકુ ગળામાં જ ખોંસી દઈને નાસી ગયો હતો.
જોકે એવી પરિસ્થિતિમાં પણ તેજસે હિંમતભર્યો નિર્ણય લીધો હતો. તે ગળામાં ચાકુ એમ ને એમ રાખી લોહીનીંગળતી હાલતમાં જાતે બાઇક ચલાવી એક કિલોમીટર દૂર આવેલી હૉસ્પિટલમાં પહોંચ્યો હતો. ડૉક્ટરોએ ચાકુ બહાર કાઢીને ટાંકા લીધા હતા. ડૉક્ટરનું કહેવું હતું કે તે નસીબદાર હતો એટલે તેની ધમની અને શિરાઓ બચી ગઈ હતી તથા એમાં ઘા નહોતો થયો.
ADVERTISEMENT
સાનપાડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાપુરાવ દેશમુખે કહ્યું હતું કે ‘તેમની વચ્ચે પ્રૉપર્ટીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ ઘટના બની ત્યારે શનિવારે રાતે બન્ને એકલા જ ઘરમાં હતા. તેજસ પર ચાકુથી હુમલો કરવા સંદર્ભે અમે મોનિશ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તેની શોધ ચાલુ કરી છે.’