ન્યુ ઝીલૅન્ડ જઈને ભણવા, કામ કરવા માગતા ગુજરાતી યુવાને બાળપણમાં સાથે ભણતી ગુજરાતી યુવતીની વાતોમાં આવી જઈને ૩૭.૪૨ લાખ રૂપિયા ગુમાવ્યા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વસઈ-વેસ્ટના કૌલ હેરિટેજ સિટી નજીક રહેતા ૨૯ વર્ષના કરણ કકૈયાને ન્યુ ઝીલૅન્ડમાં કૉલેજમાં ઍડ્મિશન અને નોકરી અપાવવાના નામે એક મહિલા સહિત બે જણે ૩૭.૪૨ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ બોરીવલી પોલીસ-સ્ટેશનમાં રવિવારે નોંધાઈ હતી. આરોપી મહિલા નિધિ વ્યાસ અને અશ્વિન સોલંકીએ વીઝા, પ્લેનની ટિકિટ, કૉલેજ-ફી અને રહેવાના ખર્ચના નામે સતત એક વર્ષ સુધી પૈસા પડાવ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં કરણ તેની પત્ની સાથે ન્યુ ઝીલૅન્ડ શિફ્ટ થવા માગતો હતો. જોકે એકસાથે લાખો રૂપિયા અભ્યાસ અને નોકરી માટે ભરવાના આવતાં તેણે પૈસા બચાવવા માત્ર ૫૦ માણસો વચ્ચે લગ્ન કર્યાં હતાં એટલું જ નહીં, વીઝા મેળવવા માટે ફિક્સ ડિપોઝિટના પૈસા બતાવવા માટે કરણના પપ્પાએ બૅન્કમાંથી લોન લીધી હતી અને એ પૈસા નિધિને આપ્યા હતા. જોકે પછીથી છેતરપિંડી થઈ હોવાનું જણાતાં હાલમાં બૅન્ક-લોનની ચુકવણી કરવા માટે ઘરનાં ઘરેણાં વેચવાનો વારો આવ્યો છે.
નિધિ મારી સ્કૂલ-ફ્રેન્ડ હતી એટલે મેં સપનેય નહોતું વિચાર્યું કે તે મારી સાથે આવું કરશે એમ જણાવતાં કરણ કકૈયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું ફૉરેન જઈ ઇવેન્ટ-મૅનેજમેન્ટમાં ડિપ્લોમા કરવા માગતો હતો એને માટે મેં ૨૦૨૪ની શરૂઆતમાં મારી સ્કૂલ-ફ્રેન્ડ નિધિનો અપ્રોચ કર્યો હતો જેણે મને ન્યુ ઝીલૅન્ડની આરા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેન્ટરબરી કૉલેજમાં ડિપ્લોમા ઇન ઇવેન્ટ મૅનેજમેન્ટ કરવા માટેનો ઑફર-લેટર આપ્યો હતો. એ સમયે તેણે ઍડ્મિશન માટે ૮.૫૦ લાખ રૂપિયા લીધા હતા. થોડા સમય પછી ન્યુ ઝીલૅન્ડના પાંચ વર્ષના વીઝા મેળવવા માટે બીજા ૧૦.૫૦ લાખ રૂપિયા લીધા હતા. એ દરમ્યાન મેં ફિયાૅન્સેને પણ સાથે ન્યુ ઝીલૅન્ડ લઈ જવાનું વિચારીને નિધિને વાત કરી ત્યારે પણ તેણે મારી ફિયાૅન્સેના વર્ક-વીઝા તૈયાર કરવા માટે પૈસા લીધા હતા. વીઝા મેળવવા માટે બૅન્કમાં ફિક્સ ડિપોઝિટ બતાવવી પડશે એમ કહીને તેણે ઑક્ટોબરમાં બીજા ૧૫ લાખ રૂપિયા લીધા હતા. એ પૈસા થોડા સમયમાં પાછા આવી જશે એમ કહેતાં મારા પપ્પાએ બૅન્કમાંથી લોન લીધી હતી એટલું જ નહીં, મેં અને મારી પત્નીએ ન્યુ ઝીલૅન્ડમાં શિફ્ટ થવાનું વિચારીને પૈસા બચાવવા માટે માત્ર ૫૦ લોકોની હાજરીમાં જુલાઈ મહિનામાં લગ્ન કર્યાં હતાં. ૩૭.૪૨ લાખ રૂપિયા લીધા પછી પણ કોઈ ચોક્કસ જવાબ ન મળતાં જે કૉલેજમાં ઍડ્મિશનના નામે પૈસા લેવામાં આવ્યા હતા એ કૉલેજની મુંબઈની ઑફિસમાં જઈને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે નિધિએ ઍડ્મિશનના કોઈ પૈસા આપ્યા નહોતા. આ ઘટના બાદ અમે ભારે મુસીબતમાં મુકાઈ ગયા છીએ. અંતે મેં બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
પોલીસ શું કહે છે?
આ મામલે અમે આરોપીને નોટિસ મોકલીને વધુ તપાસ હાથ ધરી છે એમ જણાવતાં બોરીવલીના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી મહિલાએ બીજા લોકો સાથે પણ આ રીતે છેતરપિંડી કરી હોવાની માહિતી અમને મળી છે. અમારા વિસ્તારમાં રહેતા અન્ય એક યુવક પાસેથી પણ પૈસા લીધા હોવાની ફરિયાદ અમને મળી છે. આ કેસમાં અમે બન્ને આરોપીને નોટિસ મોકલીને વધુ તપાસ કરી રહ્યા છીએ.’

