રાજ્યના જાહેરનામામાં કાંજુર પ્લૉટ કારડેપો માટે અનામત
મેટ્રો સાઈટ (તસવીર સૌજન્ય - મિડ-ડે)
મહારાષ્ટ્ર સરકારે બુધવારે જાહેરનામું બહાર પાડીને વિવાદાસ્પદ કાંજુર માર્ગ પ્લોટ મેટ્રો-૩ કાર ડેપો માટે આરક્ષિત હોવાનું જણાવ્યું હતું. શહેરસ્થિત પર્યાવરણવાદીઓએ આ પગલાંને આવકારીને તેને સકારાત્મક નિર્ણય ગણાવ્યો હતો.
વનશક્તિ એનજીઓના પર્યાવરણવાદી સ્ટાલિન ડી.એ. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘આ તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને લેવાયેલો શાણપણભર્યો નિર્ણય છે. એક કરતાં વધુ ડેપો માટેની જરૂરિયાત નાબૂદ કરી દેવાઈ છે અને શક્તિશાળી બિલ્ડરો દ્વારા સરકારી જમીનનું હસ્તાંતરણ કરી લેવાનું નિષ્ફળ બન્યું છે. અલ્પતમ નુકસાન સાથે પ્રોજેક્ટ્સનો અમલ કેવી રીતે કરી શકાય તેનું આ દૃષ્ટાંત છે. જનતાની લાગણીને માન આપવામાં આવ્યું છે જે સારો સંકેત છે. અગાઉની સરકારે લોકોનાં મંતવ્યોને ફગાવી દીધાં હતાં અને પર્યાવરણનો વિનાશ વેર્યો હતો. સદ્ભાગ્યે હવે આપણા સારા દિવસો આવ્યા છે.’

