Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બુરખો પહેરીને ટ્રેનમાં ચોરી કરતી યુવતી સૅન્ડલ પરથી પકડાઈ ગઈ

બુરખો પહેરીને ટ્રેનમાં ચોરી કરતી યુવતી સૅન્ડલ પરથી પકડાઈ ગઈ

Published : 06 November, 2024 10:20 AM | Modified : 06 November, 2024 10:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજમાં તેનાં સૅન્ડલ ઓળખીને ધરપકડ કરી : ચોરીનો માલ વેચતા તેના પતિની પણ ધરપકડ કરવામાં આવી

દાદર GRPએ ધરપકડ કરેલા બન્ને આરોપીઓ.

દાદર GRPએ ધરપકડ કરેલા બન્ને આરોપીઓ.


મુંબઈનાં રેલવે-સ્ટેશનો પર બુરખો પહેરીને ચોરી કરતી ૨૩ વર્ષની રોશની અને તેના પતિ સાઈરાજ મોરેની દાદર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ સોમવારે ધરપકડ કરી હતી. રોશની હિન્દુ હોવા છતાં માત્ર ચોરી કરવા અને પોલીસની નજરથી બચવા બુરખો પહેરી લોકલ ટ્રેનના મહિલા ડબ્બામાં ચડીને ચોરીને અંજામ આપતી હતી. જોકે પોલીસે એને મળેલાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં તેનાં સૅન્ડલ પરથી ઓળખીને તેની ધરપકડ કરી હતી. તેણે ચોરી કરેલા તમામ દાગીના વેચવાની જવાબદારી તેનો પતિ પાર પાડતો હોવાનો આરોપ પોલીસે કર્યો છે. રોશની સામે આ પહેલાં દાગીના અને મોબાઇલચોરીના છ કેસ હોવાની માહિતી પોલીસને પ્રાથમિક તપાસમાં મળી છે.


આરોપી યુવતી બુરખો પહેરી ભીડના સમયે મહિલા ડબ્બામાં ચડીને ચોરીને અંજામ આપતી હતી એમ જણાવતાં દાદર GRPના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૫ ઑક્ટોબરે દાદરના ૧૦ નંબરના પ્લૅટફૉર્મ પરથી પ્રિયંકા નામની યુવતીની એક તોલાની ચેઇન ચોરી થઈ હતી. એની ફરિયાદ અમારી પાસે નોંધાતાં અમે ઘટનાસ્થળ ઉપરાંત આખા પ્લૅટફૉર્મના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. એમાંથી બુરખો પહેરેલી એક યુવતી શંકાસ્પદ જણાતાં અમે તેની આગળની મૂવમેન્ટની તપાસ કરી હતી. આ ઉપરાંત દાદરથી કલ્યાણ સુધીના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં ત્યારે આ યુવતી અમને દિવા સ્ટેશન પરથી ટ્રેનમાં ચડતી જોવા મળી હતી. બુરખામાં બીજી મહિલાઓ પણ હોવાથી અમને શરૂઆતમાં મળેલા CCTV કૅમેરાનાં ફુટેજમાંથી યુવતીનાં સૅન્ડલનો અભ્યાસ કર્યો હતો અને એના પરથી દિવા સ્ટેશન પર તેની ઓળખ થઈ હતી. એ પછી અમારા અધિકારીઓ દિવા સ્ટેશન પર ચારથી પાંચ દિવસ વૉચ માટે ઊભા રહ્યા હતા. ત્યારે જે યુવતીની અમે ઓળખ કરી હતી તે સ્ટેશનની બહાર આવી એક હોટેલમાં જઈ બુરખો કાઢીને સાદાં કપડાંમાં જતી જોવા મળી હતી. અંતે છટકું ગોઠવીને અમે રોશની મોરે નામની યુવતીની ધરપકડ કરી હતી. તેની વધુ પૂછપરછ કરતાં તેણે ચોરીના તમામ દાગીના પતિ સાઈરાજની મદદથી વેચ્યા હોવાનું પ્રકાશમાં આવતાં અમે તેની પણ ધરપકડ કરી હતી. અમારા કેસમાં ચોરાયેલી તમામ માલમતા જપ્ત કરવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2024 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK