લેટ પડેલી ભરચક ટ્રેનોમાં પૅસેન્જરો પરેસેવે નીતરતા હતા : સાંજે ધસારાના સમયે પણ લોકોએ હાડમારી ભોગવવી પડી
વેસ્ટર્નમાં ટ્રેનોના ધાંધિયા પડ્યાં
વેસ્ટર્ન રેલવેમાં ગઈ કાલે બપોરે મલાડ સ્ટેશન પાસે કેબલમાં ફૉલ્ટ આવવાને કારણે સિગ્નલ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી, જેને કારણે ટ્રેનો મોડી પડી હતી. ફૉલ્ટ આવ્યાની જાણ થયા બાદ રેલવેના મેઇન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને સમારકામ હાથ ધર્યું હતું. એમ છતાં સાંજના ઘસારાના સમય સુધી ટ્રેનોના ધાંધિયા જ રહ્યા હતા અને લોકોએ ભારે હાડમારી ભોગવવી પડી હતી.
સ્લો અને ફાસ્ટ એમ બન્ને તરફની ટ્રેનોને એની અસર થઈ હોવાથી પૅસેન્જરોની હાલત કફોડી થઈ ગઈ હતી. બપોરના સમયે ટ્રેનો મોડી પડતાં મોટા ભાગનાં સ્ટેશનો પર ગિરદી થઈ ગઈ હતી. ટ્રેનો આવતાં જ એમાં ચડવા માટે પીક-અવર્સ જેવી ગિરદી થતી હતી. કમ્પાર્ટમેન્ટની અંદર પણ ભીડ થવાને કારણે લોકો પરેસેવે નીતરી રહ્યા હતા. વળી આવી પરિસ્થિતિ હોવા છતાં રેલવે તરફથી કોઈ જ માહિતી પૅસેન્જરોને અપાતી નહોતી કે કોઈ અનાઉન્સમેન્ટ પણ કરાતી નહોતી. પ્લૅટફૉર્મ પર લોકોએ ટ્રેનની રાહ જોતા ઊભા રહેવા સિવાય છૂટકો નહોતો. ટ્રેનની અંદર પણ લોકો અકળાઈને સતત ચણભણ કરતા રહેતા હતા કે ટ્રેન કેમ ચાલતી નથી અને ઊભી રહી જાય છે, પણ તેમને કોઈ સંતોષકારક જવાબ નહોતો મળી રહ્યો. ટ્રેનની અંદર પણ અનાઉન્સમેન્ટ સિસ્ટમ ફિટ કરેલી જ છે, પણ આવા સમયે જો એનો ઉપયોગ કરાય તો ઍટ લીસ્ટ લોકોને જાણ તો થાય કે મોડું થવાનું છે. જોકે ખરે ટાંકણે જ એનો ઉપયોગ કરાયો નહોતો.