મુખ્ય પ્રધાને ગાર્બેજની સમસ્યા માટે શરૂ કરેલી હેલ્પલાઇન પર સૌથી વધારે ફરિયાદ આ વૉર્ડમાંથી આવી છે. જ્યારે સૌથી ઓછી ફરિયાદ મુલુંડ, મસ્જિદ બંદર અને મલબાર હિલથી મળી
બાંદરા રેક્લેમેશન પાસેના રોડ પર ગઈ કાલે કચરાને ડમ્પ કરવામાં આવ્યો હતો (તસવીર : ઐશ્વર્યા દેવધર)
બીએમસીની ચૂંટણી લંબાઈ છે અને નગરસેવકોની ગેરહાજરી છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જૂનમાં ગાર્બેજ હેલ્પલાઇન શરૂ કરી હતી. આ હેલ્પલાઇનમાં કચરા સંબંધી હજારો કૉલ અને ફરિયાદ મળ્યાં છે.
બીએમસીએ સંકલિત કરેલા આંકડા મુજબ કુર્લા, અંધેરી-વેસ્ટ અને મલાડમાં સૌથી વધુ કચરા સંબંધી કૉલ મળ્યા હતા. શહેરના ૨૪ વૉર્ડમાં કુર્લા વૉર્ડ આ મામલે ટૉપ પર રહ્યો છે.
બીએમસીના આંકડા દર્શાવે છે કે મુખ્ય પ્રધાનની હેલ્પલાઇનમાં ૭ જૂનથી ૮ ઑગસ્ટ દરમ્યાન કચરા સંબંધી કુલ ૬,૩૮૮ ફરિયાદ મળી હતી. આમાંથી ૪,૮૪૮ ફરિયાદ કચરો ભેગો કરવા સંબંધી, જ્યારે ૧,૫૪૦ ફરિયાદ ગેરકાયદે કચરો ડમ્પ કરવા સંબંધી હતી.
ADVERTISEMENT
કચરો એકત્રિત કરવા સંબંધે કુર્લાના ‘એલ’ વૉર્ડમાં સૌથી વધુ ૪૯૬ ફરિયાદ મળી હતી. એ પછી મલાડના ‘પી’ નૉર્થ વૉર્ડમાં આવી ૩૯૭ ફરિયાદ અને અંધેરી-જોગેશ્વરીના ‘કે’ વેસ્ટ વૉર્ડમાં ૩૮૫ ફરિયાદ મળી હતી. એકંદરે આ ત્રણ વૉર્ડમાં સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ સંબંધી ૨૬ ટકા ફરિયાદ લોકોએ કરી હતી.
કચરો ડમ્પ કરવાની કૅટેગરીમાં ૧૪ ટકા ફરિયાદ અંધેરી-વેસ્ટમાં મળી હતી. અંધેરીમાં આવેલા ‘કે’ વેસ્ટ વૉર્ડમાં ૨૧૬ ફરિયાદ મળી હતી. ત્યાર બાદ સાયન-માટુંગાના સમાવેશવાળા ‘એફ’ નૉર્થ વૉર્ડમાં ૧૫૨ ફરિયાદ પ્રાપ્ત થઈ હતી. ઈસ્ટર્ન સબર્બમાં આવેલા વિક્રોલીથી ભાંડુપ વિસ્તારનો ‘એસ’ વૉર્ડ ફરિયાદમાં ત્રીજા નંબરે રહ્યો હતો.
કચરા સંબંધી સૌથી ઓછી ફરિયાદ મુલુંડના ‘ટી’ વૉર્ડ, મસ્જિદ બંદર અને સૅન્ડહર્સ્ટ રોડના ‘બી’ વૉર્ડ અને મલબાર હિલના ‘ડી’ વૉર્ડમાં લોકોએ કરી હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ સંબંધી ફરિયાદ કરવા માટે ૭ જૂને ચૅટબૉટ હેલ્પલાઇન લૉન્ચ કરી હતી. જોકે મુખ્ય પ્રધાને તાજેતરમાં માઝગાવની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે કચરાનો ઢગલો જોયા બાદ બીએમસીના અધિકારીઓને ઠપકો આપ્યો હતો.
સિવિક ઍક્ટિવિસ્ટ અને કુર્લામાં રહેતા અનિલ ગલગલીએ કુર્લાના વૉર્ડમાં કચરા સંબંધી સૌથી વધુ ફરિયાદ મળવા બાબતે કહ્યું હતું કે ‘આ વૉર્ડ ઘણો મોટો છે, જેમાં ૭૦ ટકા વિસ્તારમાં ઝૂંપડપટ્ટી છે. ફરિયાદ મળ્યા બાદ બીએમસી કાર્યવાહી કરે છે, પણ કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું જરૂરી છે.’
ઍક્ટિવિસ્ટ રાજકુમાર શર્માએ ખરાબ ઘન કચરા વ્યવસ્થાપન બાબતે ભૂતકાળમાં બીએમસી સામે જનહિતની અરજી કરી હતી. તેમણે કહ્યું કે ‘બીએમસીના અધિકારીઓ જાહેર સ્થળોએ કચરો કેવી રીતે જમા થાય છે એ જાણવાનો પ્રયાસ કેમ નથી કરતા.’
લોખંડવાલા ઓશિવરા સિટિઝન્સ અસોસિએશનના સંસ્થાપક ધવલ શાહે મોટા પ્રમાણમાં કરવામાં આવી રહેલા બાંધકામ અને રિપેરકામને લીધે ગેરકાયદે કચરો ડમ્પ કરવાની સમસ્યા થઈ રહી છે. તેમણે કહ્યું કે ‘બીએમસીએ કચરાના નિકાલ માટે લોકોને પરવડે એવા ભાવ નક્કી કરવા જોઈએ અને કચરો તથા સૉલિડ વેસ્ટનો નિકાલ કરવા માટે એક વ્યાપક વ્યવસ્થાપન યોજના તૈયાર કરવી જોઈએ.’
24
મુંબઈમાં કુલ આટલા વૉર્ડ છે.
8169681697
મુંબઈમાં ક્યાંય પણ કચરો ભેગો થયેલો દેખાય તો તમે આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો