કાંજુરમાર્ગ મેટ્રો કાર-ડેપોને કેન્દ્રની નોટિસથી આરે ઍક્ટિવિસ્ટ્સ કહે છે
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આરેમાં જ કાર-ડેપોના નિર્માણનો આગ્રહ રાખતા હતા. તસવીર : સઈદ સમીર અબેદી
કાંજુર માર્ગમાં મેટ્રો-3ના કાર-ડેપોનું બાંધકામ રોકવા માટે કેન્દ્ર સરકારની સ્ટૉપવર્ક નોટિસ બાબતે આરે બચાવો આંદોલન કરતા ઍક્ટિવિસ્ટ્સે જણાવ્યું હતું કે અમને પહેલેથી આવું કંઈક બનવાની અપેક્ષા હતી. મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (એમએમઆરસી)ને નોટિસ મોકલવાના કેન્દ્ર સરકારના પગલાથી કાંઈ આશ્ચર્ય ન થયું હોવાનું પર્યાવરણવાદીઓ અને નગર નિયોજનના નિષ્ણાતોએ જણાવ્યું હતું. જોકે રાજ્ય સરકારે કેન્દ્રની નોટિસ બાબતે કાનૂની સલાહ લેતા હોવાનો દાવો કરતાં કાંજુર માર્ગમાં મેટ્રો રેલવેનો કાર-ડેપોનું બાંધકામ રોકવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રના ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)ના તંત્રે તાજેતરમાં રાજ્ય સરકારને પત્ર લખીને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ને કાંજુર માર્ગમાં મેટ્રો કાર-ડેપો બાંધતાં રોકવાની સૂચના આપી હતી.
ADVERTISEMENT
ઍક્ટિવિસ્ટ્સે દાવો કર્યો હતો કે ‘કાંજુર માર્ગમાં જ્યાં મેટ્રો કાર-ડેપો બાંધવામાં આવશે એ જમીન મીઠાના અગરની જમીન હોવાથી કેન્દ્ર સરકારે સ્ટૉપવર્ક નોટિસ મોકલી છે, પરંતુ અત્યાર સુધી મીઠાના અગરની અન્ય જમીનો પર બાંધકામ કરવામાં આવ્યું ત્યારે કેન્દ્ર સરકારને ખબર નહોતી?’
આરે આંદોલનમાં અગ્રણી પર્યાવરણના રક્ષણની દિશામાં સક્રિય એનજીઓ વનશક્તિના આગેવાન સ્ટેલિન ડીએ જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર અને બીજેપીના ટેકેદારો આવું કંઈક કરશે એવી અપેક્ષા અમને પહેલેથી હતી. હું ઇરાદાપૂર્વક તેમનાં નામો લઈ રહ્યો છું. કારણ કે એ લોકો આરે કૉલોનીને ખતમ કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. કાંજુર માર્ગની જમીન રેવન્યુ રેકૉર્ડ્સમાં મહારાષ્ટ્ર સરકારના નામે છે.’