મુંબઈ : હવે ટ્રાન્સજેન્ડર્સ કહેશે, સ્કૂલ ચલે હમ
સ્કૂલ તેમ જ જુનિયર અને ડિગ્રી કૉલેજોમાં પ્રવેશ માટે અરજી કરનારા ટ્રાન્સજેન્ડર સમુદાયના કેટલાક સભ્યો. તસવીર : રાજેશ ગુપ્તા
બિલ્લો હિવરાલે ટ્રાન્સજેન્ડર છે. તે ૧૧મા ધોરણમાં હતી ત્યારે તેને જાણ થઈ કે તેનો પરિવાર તેના શિક્ષણનો ખર્ચ નહીં ઉઠાવે. ત્રાસ ગુજારાતો હોવા છતાં તેણે ઘર છોડ્યું ત્યાં સુધી ભણવાનું ચાલુ રાખ્યું અને ૨૦૦૮માં તે ઉલ્હાસનગરમાં સ્થાયી થઈ. અત્યારે ટોલ પ્લાઝા પર ભીખ માગીને તે ગુજરાન ચલાવે છે. તેનું સીધુંસાદું સપનું હતું શિક્ષણ મેળવવાનું. વર્ષો બાદ તેનું આ સપનું સાકાર થઈ રહ્યું છે.
ઉલ્હાસનગરમાં ટ્રાન્સજેન્ડર્સના કલ્યાણ માટે કાર્યરત એનજીઓ કિન્નર અસ્મિતાએ સિંધુ એજ્યુકેશન સોસાયટી સાથે મળીને આ સમુદાયના લોકોને શિક્ષિત કરાવવા માટે વન્ય ફાઉન્ડેશન સાથે હાથ મિલાવ્યા છે.
ADVERTISEMENT
ઉલ્હાસનગરમાં પાંચ સ્કૂલ ધરાવતી સિંધુ એજ્યુકેશન સોસાયટીનાં સેક્રેટરી અને કૉર્પોરેટર રેખા ઠાકુર વાલેચાએ જણાવ્યું હતું કે ‘રાજકારણમાં જોડાઈ એ પહેલાંથી હું ટ્રાન્સજેન્ડર સમુદાય માટે કામ કરતી હતી. લોકો ભોજન આપીને તેમને મદદ કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ પૂરતું નથી. આપણે તેમના કૌશલ વિકસાવવા માટે તેમને શિક્ષિત અને પ્રોત્સાહિત કરવાં જોઈએ, જેથી તેઓ આત્મનિર્ભર બને અને ગૌરવપ્રદ જીવન વિતાવે.’
શિક્ષણ પૂરું પાડવા ઉપરાંત ઉલ્હાસનગરના એનજીઓ ટ્રાન્સજેન્ડર સમુદાયને ગૌરવપ્રદ જીવન પૂરું પાડવા માટે વિવિધ પદ્ધતિઓ અજમાવી રહ્યા છે. ‘અમે નવું સાહસ શરૂ કરી રહ્યા છીએ, જેમાં તેમને ઉલ્હાસનગરમાં વિવિધ ધાર્મિક સ્થળોએ અર્પણ કરવામાં આવતાં ફૂલોમાંથી અગરબત્તી તૈયાર કરવાની તાલીમ અપાશે. એ અગરબત્તીઓ દુકાનોમાં વેચવામાં આવશે. દુર્ભાગ્યે સમાજે હજી સુધી ટ્રાન્સજેન્ડર સમુદાયને સ્વીકાર્યો નથી. આ માટે હજી થોડો સમય લાગશે, પણ આપણે ત્યાં સુધી રાહ જોઈ શકીએ નહીં.’

