પહેલા દિવસે રોડમૅપ પર ચર્ચા કરાયા બાદ આજે બીજેપીને પડકારવા માટેનો એજન્ડા નક્કી કરવાની સાથે મહત્ત્વની નિયુક્તિઓ કરવા માટે બેઠક થશે
ગઈ કાલે ‘ઇન્ડિયા’ની બે દિવસની મીટિંગ માટે મુંબઈ આવી પહોંચેલાં સોનિયા અને રાહુલ ગાંધી. (તસવીર : ઐશ્વર્યા દેવધર)
કેન્દ્રમાંથી નરેન્દ્ર મોદીની સરકારને હટાવવાના એજન્ડા સાથે અસ્તિત્વમાં આવેલા ‘ઇન્ડિયા’ જૂથની ગઈ કાલે મુંબઈમાં ત્રીજી બેઠક શરૂ થઈ હતી. ૨૮ વિરોધ પક્ષોના છ મુખ્ય પ્રધાન સહિત કુલ ૬૩ નેતાઓ ગઈ કાલે મુંબઈ પહોંચ્યા હતા. આ નેતાઓની સાડાછ વાગ્યાથી આઠ વાગ્યા સુધી બેઠક મળી હતી. બેઠકના ગઈ કાલના પહેલા દિવસે તમામ નેતાઓએ કોઈ બેઠક નહોતી કરી, પણ આજે બીજા દિવસે મળનારી બેઠકનો એજન્ડા નક્કી કરવા માટે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું. નીતીશકુમારે ઇન્ડિયા જૂથના કો-ઑર્ડિનેટર બનવાની ના પાડી દીધા બાદ ઉદ્ધવ ઠાકરેને આ જવાબદારી સોંપાવાની શક્યતા છે.
વિરોધ પક્ષોના જુદી-જુદી વિચારધારા ધરાવતા ૨૮ રાજકીય પક્ષોના ‘ઇન્ડિયા’ જૂથની બૅન્ગલોર અને પટના બાદ ગઈ કાલે મુંબઈમાં ત્રીજી બેઠક શરૂ થઈ હતી. સાંતાક્રુઝમાં આવેલી ગ્રૅન્ડ હયાત હોટેલમાં ઉદ્ધવ ઠાકરેની યજમાનીમાં રાખવામાં આવેલી બેઠકમાં સામેલ થવા માટે કૉન્ગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપરાંત, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી, તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિન, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર સહિત લાલુ પ્રસાદ યાદવ, અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, સુપ્રિયા સુળે, ફારુક અબદુલ્લા, મેહબૂબા મુફ્તી સહિતના નેતાઓ હોટેલમાં પહોંચ્યા હતા.
ADVERTISEMENT
મુંબઈની મીટિંગના ગઈ કાલના પહેલા દિવસે દેશભરમાંથી આવેલા ઇન્ડિયામાં સામેલ થયેલા વિવિધ પક્ષોના નેતા વચ્ચે કોઈ બેઠક નહોતી મળી, પણ તેમણે આજે થનારી બેઠકનો એજન્ડા નક્કી કરવા માટે ચર્ચા કરી હતી. આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં બીજેપીનો સામનો કરવા માટેનો કૉન્ક્રીટ રોડમૅપ તૈયાર કરવાની સાથે જૂથમાં સામેલ પક્ષો વચ્ચે સહકાર માટેનું એક માળખું તૈયાર કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. રાતના સાડાઆઠ વાગ્યે બધાએ ઉદ્ધવ ઠાકરે દ્વારા આયોજિત કરવામાં આવેલું ડિનર લીધું હતું.
હોટેલમાં રાહુલ ગાંધી, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, શરદ પવાર અને સુપ્રિયા સુળે સહિતના નેતાઓ એકબીજા સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરવાની સાથે હળવા મૂડમાં જોવા મળ્યા હતા.
આજે બીજા દિવસે ૨૮ પક્ષોના નેતાઓની બેઠક મળશે ત્યારે જૂથના સમન્વયક એટલે કે કો-ઑર્ડિનેટરની નિયુક્તિ કરવાની સાથે ૧૧ સભ્યોની કો-ઑર્ડિનેશન કમિટી નક્કી કરવામાં આવી શકે છે. એ સાથે જૂથનો લોગો પણ જાહેર કરવામાં આવી શકે છે. બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે ઇન્ડિયા જૂથના કો-ઑર્ડિનેર બનવાની ના પાડી દીધી છે એટલે શરદ પવાર કે ઉદ્ધવ ઠાકરે આ બેમાંથી કોઈ એકને અથવા કૉન્ગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આ જવાબદારી સોંપાવાની શક્યતા છે. નીતીશકુમાર અને મમતા બૅનરજીએ ઉદ્ધવ ઠાકરેનું નામ સૂચવ્યું છે એટલે તેમના ચાન્સ વધુ હોવાની ચર્ચા છે.
વડાપાંઉ, ઝુણકા ભાકર, પૂરણપોળી, મોદક
સાંતાક્રુઝમાં આવેલી ફાઇવસ્ટાર હોટેલ ગ્રૅન્ડ હયાતમાં કેન્દ્રમાંથી નરેન્દ્ર મોદીની સરકારને હટાવવાના ઇરાદે અસ્તિત્વમાં આવેલા ઇન્ડિયા જૂથના દેશભરના નેતાઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં સવારનો નાસ્તો, બપોરનું લંચ અને રાત્રિના ભોજનના મેનુમાં મરાઠી ખાદ્ય પદાર્થો વડાપાઉં, ઝુણકા ભાકર, પૂરણપોળી અને મોદક વગેરે રાખવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. ફાઇવસ્ટાર હોટેલમાં ૧૦૦ રૂમ બુક કરાવવામાં આવી છે. ઇન્ડિયાની બેઠકના યજમાન ઉદ્ધવ ઠાકરે છે એટલે તેમના દ્વારા મહેમાનોના ભોજન સહિત તમામ વસ્તુની વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજન ઉપરાંત દેશભરમાંથી આવેલા વિવિધ રાજકીય પક્ષના નેતાઓનું સ્વાગત મરાઠી પરંપરા નાશિક ઢોલ અને તૂતારી વગાડીને કરવામાં આવ્યું હતું.
મુંબઈમાં બેઠક વ્યવસ્થિત રીતે પાર પડે એ માટે મહાવિકાસ આઘાડીમાં સામેલ કૉન્ગ્રેસ, એનસીપી (શરદ પવાર જૂથ) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના ૧૮ નેતા એટલે કે પ્રત્યેક પક્ષના છ-છ નેતાને જવાબદારી સોંપવામાં આવી છે.
૧૪ કલાક માટે કરોડોનો ખર્ચ
એકનાથ શિંદે સહિતના શિવસેનાના વિધાનસભ્યો ગયા વર્ષે બળવો કરીને ગુવાહાટી પહોંચ્યા હતા અને ત્યાંની હોટેલમાં રોકાયા હતા. એ સમયે વિરોધ પક્ષોએ જનતાએ આપેલા ટૅક્સના રૂપિયા વેડફવાનો આરોપ કર્યો હતો. રાજ્યના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે કહ્યું હતું કે ‘અમારો ગુવાહાટીનો હિસાબ માગનારા તમે હવે મુંબઈમાં કેટલો ખર્ચ કરી રહ્યા છો? અમે ગુવાહાટીમાં ફાઇવસ્ટાર હોટેલમાં રહ્યા હતા એની ટીકા કરી હતી. હવે તમે મુંબઈમાં ૧૪ કલાકની બેઠક માટે કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યા છો એનું શું? ગ્રૅન્ડ હયાત હોટેલની રૂમનું એક દિવસનું ભાડું ૩૦,૦૦૦ રૂપિયા છે. મુંબઈમાં અસંતુષ્ટ લોકોનો મેળો ભરાયો છે. એને ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે. દેશ માટે નહીં, પોતાના રાજકીય અસ્તિત્વને બચાવવા માટે એકબીજાથી વિરોધી વિચારધારાવાળા પક્ષો એકઠા થયા છે. ઉદ્ધવ ઠાકરે જૂથે ગ્રૅન્ડ હયાત હોટેલમાં બેઠક કરવા માટે ૨૯,૨૫,૦૦૦ લાખ રૂપિયાની કિંમતની ૪૫ હજાર રૂપિયાની એક એવી ૬૫ નવી ખુરસી ખરીદી અને ૧૦૦ જેટલી રૂમ બુક કરી. એક વખતનું ભોજન ચાર-પાંચ હજાર રૂપિયાનું છે. ૧૪ કલાક માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.’
દુકાન બંધ થવાના ડરથી સાથે આવ્યાઃ ફડણવીસ
મુંબઈમાં ઇન્ડિયા જૂથના નેતાઓની બેઠક ચાલી રહી છે ત્યારે બીજેપીના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘આ લોકોનો એકમાત્ર એજન્ડા મોદીજીને હટાવવાનો છે. કોઈ પણ આવો ગમે એટલો એજન્ડા ચલાવશે તો પણ લોકોના મનમાં જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી ૩૬ તો શું ૧૦૦ પક્ષ એકસાથે આવશે તો પણ સફળ નહીં થાય. નરેન્દ્ર મોદીએ કામ અને નેતૃત્વથી દેશને વિકાસના પથ પર લાવીને મૂકયો છે. ગરીબ કલ્યાણનો એજન્ડા તેમણે ચલાવ્યો હોવાથી જ મોદીજી માટે સામાન્ય લોકોમાં પ્રેમ છે. વડા પ્રધાન પોતાનો નહીં પણ દેશનો વિચાર કરનારા છે. ઇન્ડિયા જૂથમાં જે લોકો સાથે આવ્યા છે તેઓ દેશનો વિચાર કરીને નહીં, પણ પોતાની રાજકારણની દુકાન બંધ થઈ રહી છે એ બચાવવા માટે સાથે આવ્યા છે. આ જૂથમાં અત્યારથી જ પાંચ પાર્ટીએ વડા પ્રધાનપદનો દાવો કર્યો છે. એ લોકો ભલે ગમે તે વિચારે, પણ જનતાના એ ગળે ઊતરવું જોઈએ. બૅનરબાજી કરીને, સાથે આવીને અને સૂત્રોચ્ચાર કરીને તેઓ અત્યારે ટાઇમપાસ કરી રહ્યા છે. જનતા આ બધું સમજે છે એટલે આવા સંગઠનથી આગામી ચૂંટણી પર કોઈ અસર નહીં દેખાય.’